Mon Sep 07 2026

Logo

અમદાવાદમાં ડ્રાઈવરને ચાલુ કારે ખેંચ આવતાં છને ઉડાવ્યા, યુવતીનું મોત, કોણ છે ડ્રાઈવર ?

2026-06-23 08:52:00
Author: Mumbai Samachar Team
અમદાવાદમાં ડ્રાઈવરને ચાલુ કારે ખેંચ આવતાં છને ઉડાવ્યા, યુવતીનું મોત, કોણ છે ડ્રાઈવર ?

Ai Image


અમદાવાદમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની સર્જાયો છે. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું  જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત રખિયાલ વિસ્તારના અજિત મિલ બ્રિજ નજીક સોમવારની રાત્રે થયો હતો. ગરીબનગર તરફ જતાં માર્ગ પર એક પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર અચાનક બેકાબૂ બની જતાં અનેક વાહનો અને રાહદારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. 

કોણે કર્યો અકસ્માત

પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ ઓઢવ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કારમાં પરિવાર સાથે જઇ રહ્યા હતા. કારમાં તેમની પત્ની ડિમ્પલબેન અને દીકરો પણ હાજર હતા. રાત્રે આશરે 9:40 વાગ્યાના સમયે અજિત મિલ બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે મયંકકુમારને અચાનક આંચકી (ખેંચ) આવતાં તેઓ વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત કેવી રીતે થયો ?

પૂરપાટ ઝડપે જઇ રહેલી કારે કાબૂ ગુમાવતા કાર સીધી ગરીબનગર ચાર રસ્તા તરફ ધસી ગઈ હતી. સૌપ્રથમ કાર એક ઓટોરિક્ષા સાથે જોરદાર અથડાઈ હતી. ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ એક્ટિવા અને એક બાઈકને પણ કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત બાદ પણ કારની ગતિ ઓછી ન થતાં તે નજીક આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.

લોકોના ટોળા એકઠા થયા

અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. જોતજોતામાં 500થી વધુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિની માહિતી મેળવી હતી.

શું કહે છે પોલીસ

ટ્રાફિક પોલીસ PI એચ. વી. ધંધુકિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કાર ચાલક પોતાની પત્ની અને દીકરા સાથે મુસાફરી કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતાં તેમણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે બેકાબૂ બનેલી કારે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. ત્યારબાદ ત્રણ એક્ટિવા અને એક બાઈકને પણ અડફેટે લીધી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.