Wed Sep 02 2026

Logo

Iran-US Talks: ટ્રમ્પની ધમકી પછી વાત બગડી, સ્વિટ્ઝરલેન્ડમાં ફક્ત 80 મિનિટ ચાલી અમેરિકા-ઇરાન વાતચીત

2026-06-22 09:41:00
Author: Mumbai Samachar Team
Iran-US Talks: ટ્રમ્પની ધમકી પછી વાત બગડી, સ્વિટ્ઝરલેન્ડમાં ફક્ત 80 મિનિટ ચાલી અમેરિકા-ઇરાન વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે રવિવારે શરૂ થયેલી બહુપ્રતીક્ષિત શાંતિ વાટાઘાટો પહેલા જ રાઉન્ડમાં અટકી પડી છે. લેબનાનમાં ચાલી રહેલા તણાવ અને વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા નિવેદનને કારણે માહોલ તંગ બની ગયો હતો.

બંને પક્ષો વચ્ચેની આ બેઠક માત્ર 80 મિનિટ સુધી જ ચાલી શકી હતી. કતર અને પાકિસ્તાનની મધ્યસ્થતા બાદ સ્વિટ્ઝર્લેન્ડના બર્જેનસ્ટોક (Bürgenstock) ખાતે આ શાંતિ વાટાઘાટો માટેના પ્રથમ તબક્કાની બેઠક યોજાઈ હતી.

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં મહિનાઓથી ચાલી રહેલા તણાવને થોડી રાહત ત્યારે મળી હતી, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર પછી બંને પક્ષો વચ્ચે 14 મુદ્દાના પ્રારંભિક કરારના ડ્રાફ્ટ પર ટેકનિકલ ચર્ચા કરવા માટે 60 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

આ અંતર્ગત રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્જેનસ્ટોક ખાતે શાંતિ વાટાઘાટો માટેના પ્રથમ તબક્કાની બેઠક યોજાઈ હતી. પરંતુ લેબનાન પર થઈ રહેલા ઈઝરાયેલના હુમલા અને ટ્રમ્પની ધમકીના કારણે હવે વાત બગડતી હોય તેવું દેખાઈ રહ્યું છે.

ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો બેઠકમાંથી વોકઆઉટ

ટ્રમ્પે ધમકી આપતા ઈરાન પાસે લેબનાનમાં હિઝબુલ્લાહની પ્રવૃત્તિઓ તાત્કાલિક રોકવાની માંગ કરી અને સ્પષ્ટ ચેતવણી આપી કે જો એવું નહીં થાય, તો અમેરિકા ફરી એકવાર સૈન્ય કાર્યવાહી કરવા મજબૂર થઈ શકે છે. ઈરાનના પ્રતિનિધિમંડળે ટ્રમ્પના આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો અને થોડીવાર માટે બેઠક છોડીને બહાર નીકળી ગયું. જોકે, થોડીવાર પછી તેમણે વાતચીત ચાલુ રાખવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને ત્યારબાદ ફરીથી વાટાઘાટો શરૂ થઈ.
શાંતિ વાટાઘાટોમાં બંને દેશો તરફથી કોણે-કોણે ભાગ લીધો?

આ શાંતિ વાટાઘાટો માટે અમેરિકા તરફથી વાતચીત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ (JD Vance) હાજર હતા. બીજી તરફ, ઈરાન તરફથી સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર ગાલિબફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સામેલ થયા હતા.

ટ્રમ્પે ઈરાનની હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અંગે પણ કડક વલણ અપનાવતા કહ્યું, "જો ઈરાને આ વ્યૂહાત્મક જળમાર્ગને બંધ કરવાનો પ્રયાસ કર્યો તો અમેરિકા વચ્ચે દખલગીરી કરશે.

સામૂહિક ફોટો સેશનમાં સામેલ ન થયું ઈરાન

ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના આ નિવેદનોનો વિરોધ કરીને ઈરાનનું પ્રતિનિધિમંડળ બેઠક છોડીને બહાર નીકળી ગયું હતું અને ત્યારપછી તેઓ સામૂહિક ફોટો સેશનમાં પણ સામેલ થયા ન હતા.