Thu Sep 03 2026

Logo

કીર સ્ટાર્મરના રાજીનામા બાદ કોણ બનશે બ્રિટનના નવા પીએમ? રેસમાં આ નામ મોખરે

London   2026-06-22 21:45:26
કીર સ્ટાર્મરના રાજીનામા બાદ કોણ બનશે બ્રિટનના નવા પીએમ? રેસમાં આ નામ મોખરે

AFP


લંડનઃ બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરનું વડા પ્રધાન અને લેબર પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેશમાં રાજકીય અસ્થિરતા ઊભી થઇ છે. આ ઘટનાક્રમ બાદ એન્ડી બર્નહામ સ્ટાર્મરના ઉત્તરાધિકારી બનવાની રેસમાં સૌથી આગળ હોવાના અહેવાલ છે.

ગ્રેટર માન્ચેસ્ટરના ભૂતપૂર્વ મેયર એન્ડી બર્નહામે પુષ્ટિ કરી છે કે તેઓ લેબર પાર્ટીના નેતા અને બ્રિટિશ વડા પ્રધાન તરીકે કીર સ્ટાર્મરની જગ્યા લેવા માટે ચૂંટણી લડશે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ પ્રક્રિયાના ભાગરૂપે તેઓ પોતાને આગળ રાખશે.

ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન વેસ સ્ટ્રીટિંગએ કહ્યું કે તેઓ બર્નહામને સમર્થન આપશે. સ્ટ્રીટિંગને બીજા એક મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આથી બર્નહામ કોઇપણ નેતૃત્વ હરિફાઇ વિના ચૂંટાવાની શક્યતા વધી ગઇ છે. બર્નહામે એક્સ પર સ્ટાર્મરનો તેમની સેવા અને નેતૃત્વ બદલ આભાર માન્યો હતો.

બર્નહામે જણાવ્યું કે સ્ટાર્મરનો પદ છોડવાનો નિર્ણય સંક્રાન્તિની શરૂઆત છે. આ પ્રક્રિયા વ્યવસ્થિત અને જવાબદારપૂર્વક પૂર્ણ થાય તે જરૂરી છે. હું આ પ્રક્રિયાના ભાગરૂપે ખુદને આગળ રાખીશ. દેશ સ્થિરતા, ગંભીરતા અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સતત ધ્યાન આપવાની અપેક્ષા રાખે છે અને તેને તે જ મળશે.

બર્નહામે વધુમાં જણાવ્યું કે લોકો આર્થિક વિકાસ, જીવનનિર્વાહનો ખર્ચ, જાહેર સેવાઓ, રહેઠાણ અને ભાવિ પેઢી માટે તકોના સંદર્ભમાં પ્રગતિ જોવા ઇચ્છે છે. રાજકીય પરિવર્તનથી લોકોના જીવનને ઉત્તમ બનાવવાની જવાબદારીથી ક્યારેય ધ્યાન વિચલિત થવું ન જોઇએ.