(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને મધ્ય પૂર્વનાં શાંતિકરારની અસ્પષ્ટતાઓને ધ્યાનમાં લેતા અમુક અંશે ટ્રેડરોએ અપનાવેલા સાવચેતીના અભિગમને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે 30 પૈસાના ઘટાડા સાથે 94.63ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે ડેબ્ટ અને ડિપોઝિટ્સમાં જોવા મળેલા સ્થિર આંતરપ્રવાહને કારણે પણ રૂપિયાના ઘટાડાને ટેકો આપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 94.33ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.42ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.76 અને ઉપરમાં 94.24ની રેન્જમાં અથડાઈને અંતે 30 પૈસાના ઘટાડા સાથે 94.63ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં સાધારણ સાત પૈસાનો સુધારો આવ્યો હતો.
દરમિયાન વૈશ્વિક મોરચે જોઈએ તો સ્વિટ્ઝર્લેન્ડમાં ઉચ્ચ સ્તરની ઈરાન યુદ્ધની વાટાઘાટો શેષ અઠવાડિયા માટે આયોજિત નીચલા સ્તરની વાટાઘાટો સાથે સમાપ્ત થઈ હતી કેમ કે ઈરાન અને અમેરિકા લેબેનોનના યુદ્ધના ઉકેલ માટે `ડી-કોન્ફ્લિક્શન સેલ' (વિવાદ શમન જૂથ) રચવા સહમત થયા હતા. આ વાટાઘાટો ઈરાન સાથેના યુદ્ધનો કાયમી અથવા લાંબા સમયગાળાનો અંત લાવવા માટે 60 દિવસની રાજદ્વારી પ્રક્રિયાનો આરંભનો સંકેત આપે છે. વધુમાં ઈરાને આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓએ ગત સપ્તાહના અંતે હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કર્યો છે, જ્યારે અમેરિકાએ શિપમેન્ટની અવરજવર અથવા ટ્રાફિક ચાલુ હોવાનું જણાવ્યું હતું.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.03 ટકા વધીને 100.88 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.75 ટકા ઘટીને બેરલદીઠ 79.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 291.17 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 89.80 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.