Thu Mar 12 2026

Logo

માનસ મંથનઃ જગતનું કલ્યાણ એ શિવ શબ્દનો અર્થ છે, એથી જેમને શિવ પ્રિય હશે તે કલ્યાણકરી કાર્યો કરશે

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 
મોરારિબાપુ

બાપ! તમે રામને, કૃષ્ણને, પરમ વૈષ્ણવી સિદ્ધાંતને માનતા હો, છતાં શંકરના ભાવને નહિ છોડો. નહીંતર રામભક્તિ, કૃષ્ણભક્તિ, કોઈ પણ અવતારની ભક્તિ પ્રાપ્તિ નથી થતી. એ કહેવડાવવી ભક્તિ થશે. ફરી એકવાર કહું કે સંપ્રદાયોની જટિલતાએ, કુટિલતાએ દેશના અધ્યાત્મને બહુ નુકસાન કરી દીધું છે. ક્યાં મહાદેવ? છે કોઈ દેવ એવા?

सदा शिव सर्व करदाता, बर हो तो ऐसा हो,
हरे सब दुःख भक्तनका, दिलावर हो तो ऐसा हो|
शिरोको काटकर अपने, किया जब होम रावणने,
तो दिया सब राज दुनिया का, दिलावर हो तो ऐसा हो|

છે કોઈ એવા? ખૂબ ભોળા છે. પાર્વતી કદી કદી ધમકાવે છે. તમે બહુ ભોળા છો, રાક્ષસોને વરદાન આપો છો, પછી રાક્ષસો આપને પરેશાન કરે છે, મને પણ પરેશાન કરે છે. બ્રહ્માજી કદી કદી ધમકાવે, વિષ્ણુ ભગવાન પણ ધમકાવે, આપ બધી ગરબડ કરો છો, પછી મને પોકારો છો, મારે આવીને પછી આપને મદદ કરવી પડે છે. જરા બુદ્ધિથી વિચાર કરીને વરદાન આપો ને? શંકરજી કહે છે કે બુદ્ધિથી વરદાન આપું તો તો પછી મને ભોળા કોણ કહેશે? બ્રહ્માજીને કહે કે બુદ્ધિવાળા પક્ષનું હું ક્યાં વિચારું ? મારે તો કોઈ આર્ત આવે કે પછી આપી દઉં છું.

તો બાપ ! એ અકાટ્ય સિદ્ધાંત છે, રામ, કૃષ્ણ, કોઈની પણ ભક્તિ કદાચ પ્રાપ્ત કરવી હોય તો પણ મહાદેવ વિમુખને ભક્તિ નહિ મળતી. કોઈ પણ વેશમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ કુળમાં તમે પેદા થયા હો, પણ કેવળ કલ્યાણની જ ભાવના તમારા મનમાં હો, તો તમે જ્યાં છો, ત્યાં રામેશ્વર છે, ત્યાં સ્વર્ગ છે. ‘રામચરિતમાનસ’માં ગોસ્વામીજી કહે છે-

संकर प्रिय मम द्रोही सिव द्रोही मम दास़|
ते नर करहिं कलप भरी घोर नरक महूं बास॥

શંકર પ્રિય, જેને કલ્યાણ પ્રિય હો, સમાજનું કલ્યાણ કરવાનું છે, સમાજની સેવા કરવાની છે, અહીં જગતનું કલ્યાણ એ શિવનો અર્થ છે. કેટલાક લોકો એવા છે જે સમાજની સેવા કરવામાં રુચિ રાખે છે, સારી વાત છે, પણ શંકર પ્રિય मम द्रोही-मम द्रोही  એટલે રામનો દ્રોહી, મમ દ્રોહી એટલે આત્મકલ્યાણનો વિરોધી. સમાજકલ્યાણ કરો, પણ તમે આત્મકલ્યાણ ન કરો તો તમે અધૂરા છો. સમાજકલ્યાણ કરવું જોઈએ, પણ આત્મકલ્યાણ સાથે સાથે કરો. કેટલાયે લોકો કહે છે કે અમે મંદિરે નથી જતા, અમે તો સમાજની સેવા કરીએ છીએ. કરો, સારી વાત છે. પણ મંદિરે નથી જતા, એનો અહંકાર કેમ કરો છો? મંદિરની વચ્ચે આ મમદ્રોહી કેમ થાઓ છો ? બંને વસ્તુ કરો. સમાજકલ્યાણ કરવું જ જોઈએ. જન જનકી સેવા કરવી જોઈએ.

દેહાતોમાં, નગરોમાં જોયું, હવે તો બેંક થઈ ગઈ. પણ ગામોમાં, પેઢીઓ પર જે શેઠ રહે છે, લેણદેણ કરે છે, એ પોતાની રૂપિયાની થેલી સવારમાં ભરીને આવે છે. પછી એના ગ્રાહકો આવે, એને લોન આપે છે, આમ કરે છે, આપતા જાય છે. તેમ તમે આત્મકલ્યાણની ઝોળી ન ભરી, તો તમે સમાજકલ્યાણ કેવી રીતે કરી શકશો? પહેલાં ભજન અર્જિત કરો. 

સાધુસંત રાત્રિએ ભજન કરી લે છે, પછી દિવસમાં આવનારાઓની પાસે લૂંટાવી દે છે, લૂંટાતા રહે છે. પાછી રાત્રિ થઈ, મોહનિસા થઈ, દુનિયા સૂઈ જાય પછી મહાત્મા લોકો પાછા ભજનની કમાણી કરતાં રહે છે. પાછા સવારે લૂંટાતા રહે છે. તમે આત્મકલ્યાણ ન કરો, તો લૂંટાવી કેમ શકશો? તમારી પાસે કંઈ હશે તો જ તમે આપી શકો. બાકી શું આપી શકાય? તેથી અહીં સેતુબંધ છે, વ્યાસગાદીની સમજમાં-શંકરપ્રિય, મમદ્રોહી. જે વિશ્વ કલ્યાણની વાતો કરશે, એ બહુ અદ્દ્ભુત વાત છે, એને પરમ વંદન, પણ આત્મકલ્યાણે કરો.

ગાંધીજીએ વિશ્વ પર બહુ ઉપકાર કર્યા, પણ આત્મકલ્યાણ છોડ્યું નહિ, સવાર-સાંજની પ્રાર્થના નિયત સમયે થતી જ હતી. ચાહે બડા વાઈસરોય સાથે, ભારતની આઝાદીની મહત્ત્વની મિટિંગ કેમ ન હોય, ગાંધીજી પ્રાર્થના સમયે પ્રાર્થના કરતાં જ હતા.

આત્મકલ્યાણ વિના સમાજકલ્યાણ કરવું અધૂરું છે. શંકરપ્રિય મમદ્રોહી, પણ બીજો પક્ષ શિવદ્રોહી મમ દાસ-અહીં મમ દાસ, ‘મમ’ માને મમતા. જે મમતાનો ગુલામ છે અને લોકનું કલ્યાણ નથી કરતો, સ્વાર્થી છે. મારા બચી જાય, બીજાનું જે થવાનું હોય તે થાય, મારું બચી જાય, એને પણ નર્કમાં નિવાસ કરવો પડશે. આત્મકલ્યાણ ન કરે ને ફક્ત સમાજકલ્યાણ કરે એ અધૂરો છે. જનકલ્યાણ ન કરે, ફક્ત મમ, મારું જ બચી જાય, એવું જે ઈચ્છે, મારી વાત, મારી વાત બસ બની જાય, એ પણ નર્કનો ભોગી બનશે.

સમાધિમાં બેસવાવાળા પણ વિશ્વની, રાષ્ટ્રની ઉન્નતિમાં પોતાની રીતે યોગદાન આપી શકશે. છતાં, સમાજકલ્યાણનો પણ એક પક્ષ છે, એની પણ જગા છે. બંને પોતાની જગ્યાએ બરાબર છે. એટલે હું કહું છું. ભજન કરો, ભોજન કરાવો.

संकर प्रिय मम द्रोही मम दास़| 

ભજન કરો, ભોજન કરાવો, યાને આત્મકલ્યાણ પણ કરો, સમાજકલ્યાણ પણ કરો, એ બંને કરો. જન જન જો આ આત્મસાત કરી લે તો કેટલી અદ્દ્ભુત ક્રાંતિ થાય. હું એ ક્રાંતિમાં બહુ વિશ્વાસ નથી કરતો. મેં કેટલી યે વાર કહ્યું છે કે-રાષ્ટ્રમાં ક્રાંતિ યે હોવી જોઈએ, રાષ્ટ્રમાં શાંતિ યે હોવી જોઈએ અને રાષ્ટ્રમાં ભક્તિ યે હોવી જોઈએ.

તો બંને સંકલ્પો કરો. મારા ઘરમાં રસોઈ બનશે, એ કેવળ ‘મમદાસ’ ભાવથી નહિ બને. મારા ઘરમાં કોઈ અભ્યાગતના રૂપમાં શંકર આવશે, તો એના માટે પણ હશે. આ દેશમાં અસલમાં લોકો ગો ગ્રાસ કાઢતા હતા, શ્વાન ગ્રાસ નીકળતા હતા, અતિથિ ગ્રાસ કાઢતા હતા, આ દેશની તો એ પરંપરા રહી. હં... આ અર્થમાં સેતુબંધની પ્રતિષ્ઠાનો ભાવ સમજો. સમજવું જોઈએ. પહેલાના વખતમાં તો સાધુ સંત પણ જેટલી કમાઈ કરતા હતા, એટલી લૂંટાવી દેતા હતા. રાજા પણ જેટલું એની તિજોરીમાં ભૌતિક રૂપમાં આવતું, એ વર્ષમાં લૂંટાવી દેતા હતા.
 
મારાં ભાઈ-બહેનો, આપણે શિવના ભક્ત હોઈએ અને રામનો દ્રોહ કરીએ, રામના ભક્ત હોઈએ અને શિવનો દ્રોહ કરીએ, તો તેવા માણસની દુર્ગતિ થશે. એણે શાંતિ નહીં મળે. જે મમતાનો ગુલામ હશે, અને વૈશ્વિક વિચારધારાનો વિરોધી હશે અને તે જો આત્મકલ્યાણ ચુકી જશે તો નરકગામી થશે. શિવ પ્રિય અને રામ દ્રોહી, કૃષ્ણ દ્રોહી અને રામ પ્રિય, કૃષ્ણ પ્રિય પરંતુ શિવ દ્રોહી, તો એણે શાંતિ નહીં મળે. જેના કેન્દ્રમાં કલ્યાણ હશે તે શાંતિ મેળવી શકશે.

સંકલન : જયદેવ માંકડ