Sun Aug 23 2026

Logo

મોરારીબાપુએ કોચીમાં 50 વર્ષ પછી કથા કરી, મૃત્યુલોક-પૃથ્વીલોકને પાઠશાળાનો દરજ્જો આપ્યો

2026-08-06 09:20:00
Author: Mumbai Samachar Team
Article Image

કોચી: જાણીતા કથાકાર મોરારીબાપુએ કેરળમાં કોચીમાં રામકથા કરીને હિંદુ ધર્મના પુનરુધ્ધારક મનાતા આદિ શંકરાચાર્યને ભાવાંજલિ આપી છે.  કોચીથી લગભગ 40 કિલોમીટર દૂર  જગદ્દગુરુ આદિ શંકરાચાર્યજીનું  જન્મસ્થળ કાલડી આવેલું છે. મોરારીબાપુ પહેલાં કાલડીમાં રામકથા કરી ચૂક્યા છે.  મોરારીબાપુએ 13 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન  કેરળના કોચીમાં પોતાની 979મી રામકથા કરી હતી.

આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એર્નાકુલમ જિલ્લામાં પેરિયાર નદીના કિનારે આવેલા કાલડી ગામમાં ઈ.સ. 788માં થયો હતો. અદ્વૈત વેદાંતના મહાન પ્રણેતા આદિ શંકરાચાર્યને સનાતન ધર્મને ફરી મજબૂત બનાવવાનું શ્રેય અપાય છે. કાલડીમાં આદિ શંકરાચાર્યની સ્મૃતિમાં બનેલી વિદ્યાપીઠમાં સનાતન ધર્મનું શિક્ષણ અપાય છે. પ્રકૃતિનું ઉપવન અને તત્ત્વજ્ઞાનનું તપોવન કહેવાતી આ વિદ્યાપીઠમાં વેદાંતના સિધ્ધાંતનો અભ્યાસ કરવા વિદેશથી પણ વિદ્વાનો આવે છે.

 મોરારીબાપુએ હાલમાં  કેન્યાના કેરીચોમાં પોતાની 981મી રામકથા પૂર્ણ કરી છે. મોરારિબાપુએ વિદેશમાં પોતાની પહેલી રામકથા 1976માં કેન્યાના નાઈરોબીમાં કરી હતી. 50 વર્ષ પછી કેન્યાની ધરતી પર જ તેમણે રામકથા કરી છે. કેન્યાના કેરીચોમાં મોરારિબાપુની રામકથા 19 જુલાઈથી શરૂ થઈ હતી.

આ પહેલાં મોરારીબાપુએ 13 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન  કેરળના કોચીમાં કરી હતી. યોગાનુયોગ કેરળમાં પણ મોરારીબાપુએ 1976માં એટલે કે 50 વર્ષ પહેલાં પહેલી કથા કરી હતી. નાઈરોબીમાં 1976ની મોરારીબાપુની રામકથાના મનોરથી તરીકે રમાબહેન વસાણી પરિવાર હતો, હવે પચાસ વર્ષ પછી તેમની ત્રીજી પેઢીએ સાત દીકરીઓએ રામકથામાં સેવા આપી હતી.

કોચીની રામકથામાં મોરારી બાપુએ `માનસ-મૃત્યુલોક'ને કેન્દ્રમાં રાખીને કરીને સાત્ત્વિક-તાત્ત્વિક દર્શન વ્યક્ત કર્યું હતું. 2011માં સિડની (ઓસ્ટ્રેલિયા)માં `માનસ-મૃત્યુ' રામકથામા મોરારીબાપુએ મૃત્યુનો મહિમા દર્શાવીને મૃત્યુની ભયાવહતાને ભૂંસવાનો પ્રયત્ન કર્યો હતો. આ કથામાં વિશેષભાવે મૃત્યુલોકનું મહિમાગાન થયું હતું. મૃત્યુલોક-પૃથ્વીલોકને પાઠશાળાનો દરજ્જો આપીને મોરારીબાપુએ સ્વર્ગલોકની તુલનાએ મૃત્યુલોકની વિશેષ મહત્તા પ્રસ્થાપિત કરી હતી.

મૃત્યુલોકની ઘણી ઉપલબ્ધિઓ દર્શાવતાં તેમણે જણાવ્યું હતું કે મૃત્યુલોકમાં અશ્રુ અને આશ્રય છે; પ્રસન્નતા અને પ્રપન્નતા છે, તો બધા સદ્દગ્રંથો પણ પૃથ્વી પર આવ્યા છે અને પરમાત્માના અવતારો પણ મૃત્યુલોકમાં થયા છે. તેમણે શ્વેતાશ્વતર ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, કઠોપનિષદ, શાંકરવેદાંત તેમજ લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યના અનેક સંદર્ભો સાથે મૃત્યુનું, મૃત્યુલોકનું અને માનવજીવનનું માહાત્મ્ય દર્શાવ્યું હતું અને મૃત્યુથી ડરવાને બદલે મૃત્યુના સહજ સ્વીકાર-સત્કારની હિમાયત કરી હતી.