મોડાસા: ગુજરાતમાં દારૂબંધી છે, પણ કાયમ દારૂની હેરફેરના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલું એક ટ્રક ટેન્કર હિંમતનગર તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીક વોચ ગોઠવી આ ટ્રકને આંતરી લીધું હતું અને ડ્રાઈવર સુખરામ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી વાત એ દારૂને છુપાવવાની રીતની હતી. આમ ટ્રક જોવામાં ડામર લઈ જતું સામાન્ય ટેન્કર લાગતું હતું. પોલીસ જ્યારે તપાસ કરી ત્યારે ટેન્કરનું ઉપરનું ઢાંકણ ખોલતા અંદર એકાદ ફૂટ ડામર ભરેલો જોવા મળ્યો હતો, પરંતુ ટેન્કરની સાઈડમાં એક ગુપ્ત બોક્સ બનાવવામાં આવ્યું હતું. ગઠિયાઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે દારૂના જથ્થાને ટેન્કરની અંદર આ રીતે ખૂબ જ ચાલાકીથી સંતાડ્યો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસની તપાસમાં આ ટેન્કરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 2300 કરતાં વધારે બોટલ મળી આવી હતી, જેની કિંમત 28.48 લાખ રૂપિયા થાય છે. ટ્રક અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 43.62 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે આ જ ટ્રક વર્ષ 2023માં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાયું હતું અને ફેબ્રુઆરી 2026માં કોર્ટમાંથી છૂટ્યા બાદ ફરીથી આ જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ રેઈડ બાદ પોલીસે ડ્રાઈવરની પૂછપરછમાં મળેલ માહિતીના આધારે દારૂ મોકલનાર બે મુખ્ય આરોપીઓ સહિત કુલ 5 લોકો સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.