Tue Mar 10 2026

Logo

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ: આબુ ધાબી અને કતારમાં મિસાઈલ હુમલા, અમેરિકી સૈન્ય મથકો નિશાના પર

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કરેલી સંયુક્ત સૈન્ય કાર્યવાહી બાદ હવે આ યુદ્ધની જ્વાળાઓ પાડોશી દેશો સુધી પ્રસરી ગઈ છે. શનિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની આબુ ધાબી અને કતારમાં જોરદાર ધડાકાઓ સંભળાયા હતા. આ ઘટનાક્રમે સમગ્ર મધ્ય પૂર્વને એક ભયાનક સૈન્ય સંઘર્ષના મુખમાં ધકેલી દીધું છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા પલટવારમાં અમેરિકાના મહત્વના સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અફરાતફરી મચી ગઈ છે.

સૌથી ચોંકાવનારા સમાચાર બહેરીનથી મળી રહ્યા છે, જ્યાં મનામા સ્થિત અમેરિકી નૌસેનાના ૫મા કાફલા (US Navy’s 5th Fleet) ના હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. બહેરીનના નેશનલ કોમ્યુનિકેશન સેન્ટરે પુષ્ટિ કરી છે કે ફિફ્થ ફ્લીટના સર્વિસ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ કાફલો ગલ્ફ, લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. બહેરીન પ્રશાસને તાત્કાલિક અસરથી વોર્નિંગ સાયરન વગાડીને નાગરિકોને સંભવિત ઈરાની મિસાઈલ હુમલાઓ સામે સાવધ કર્યા છે.

આબુ ધાબી અને કતારમાં એરબેઝ પર ખતરો

આબુ ધાબીમાં સ્થિત અલ ધાફરા એર બેઝ અને કતારના દોહામાં આવેલા અલ ઉદૈદ એર બેઝ પર હુમલાની આશંકા સેવાઈ રહી છે. અલ ધાફરા એર બેઝનો ઉપયોગ અમેરિકા અને UAE ની વાયુસેના સંયુક્ત રીતે કરે છે, જ્યારે દોહામાં આવેલું 24 હેક્ટરનું અલ ઉદૈદ એર બેઝ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું મુખ્ય મથક છે. કતારની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે હવામાં જ એક મિસાઈલને તોડી પાડી હોવાના અહેવાલ છે. આ હુમલાઓને પગલે UAE અને કતારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

યુદ્ધની ગંભીરતાને જોતા કુવૈત, સંયુક્ત આરબ અમીરાત અને કતાર જેવા દેશોએ સાવચેતીના ભાગરૂપે કડક પગલાં લીધા છે. કુવૈત સિવિલ એવિએશન ઓથોરિટીએ તમામ એરક્રાફ્ટ અને પેસેન્જર ટ્રાફિક માટે પોતાનું એરસ્પેસ કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. તેવી જ રીતે, UAE એ પણ તેના હવાઈ ક્ષેત્રને આંશિક અને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે. અમેરિકી સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી હવાઈ અને દરિયાઈ માર્ગે મિસાઈલ હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે, જેના જવાબમાં અમેરિકાએ પણ તેની સૈન્ય હાજરી વધારી દીધી છે.

28 ફેબ્રુઆરી 2026 ના રોજ બનેલી આ ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે આ યુદ્ધ હવે ઈરાન-ઈઝરાયેલ પૂરતું મર્યાદિત નથી. ખાડી દેશોમાં અમેરિકી ઠેકાણાઓ પર થયેલા હુમલા બાદ હવે અમેરિકા વધુ આક્રમક બને તેવી શક્યતા છે. આ સંઘર્ષની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા અને સુરક્ષા પર પડશે. અત્યારે સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને આવનારા કલાકોમાં આ સંઘર્ષ કઈ દિશામાં જશે તેના પર વિશ્વની નજર ટકેલી છે.


ભારત માટે ચિંતા

મધ્ય પૂર્વમાં ભભૂકેલી આ હિંસા ભારત માટે માત્ર વ્યૂહાત્મક જ નહીં, પણ આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત ચિંતાજનક છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ ખાડી દેશો પાસેથી મેળવે છે, તેથી જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થવાની અને તેના લીધે દેશમાં મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, UAE, કતાર અને બહેરીન જેવા દેશોમાં અંદાજે 35 લાખથી વધુ ભારતીયો વસે છે, જેમની સુરક્ષા અને રોજગાર હવે જોખમમાં મુકાયા છે. જો યુદ્ધ વધુ વકરે તો આ નાગરિકોના સ્થળાંતર માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવું પડી શકે છે. એટલું જ નહીં, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને ખાડી દેશો તરફથી ભારતમાં આવતા અબજો ડોલરના રોકાણ પર પણ આ જંગને કારણે બ્રેક લાગી શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થશે.