Fri Sep 04 2026

Logo

ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા ૧૫,૦૦૦ કર્મચારીઓની છટણી કરશે?

2026-03-16 20:27:58
Author: Nilesh Waghela
ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા ૧૫,૦૦૦ કર્મચારીઓની છટણી કરશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: એઆઇનો ખર્ચ મોંઘો પડતા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર મોટા પાયે છટણીની તૈયારીમાં હોવાના અહેવાલ પ્રસરી રહ્યા છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, કંપની તેના વૈશ્ર્વિક કર્મચારીઓમાંથી ૨૦ ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં મેટા પાસે લગભગ ૭૯,૦૦૦ કર્મચારીઓ હતા, આ હિસાબે લગભગ ૧૫,૦૦૦થી વધુ લોકોની નોકરી જઈ શકે છે.

કંપની આ પગલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પર વધી રહેલા અબજો ડોલરના ખર્ચ અને ડેટા સેન્ટર્સના ખર્ચને મેનેજ કરવા માટે ઉઠાવી રહી છે. જોકે, મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને આ સમાચારોને કાલ્પનિક ગણાવીને હાલમાં કોઈપણ છટણીનો ઇનકાર કર્યો છે.

જોકે, અહેવાલો અનુસાર, મેટાએ તેની સુપરઇન્ટેલિજન્સ લેબ્સ (એએએસએલ)માં નવી પ્રતિભાઓ લાવવા માટે ભારે રોકાણ કર્યું છે. કંપનીએ તાજેતરમાં એલેક્ઝાન્ડર વાંગના સ્ટાર્ટઅપ સ્કેલ એઆઇને ૧૪.૫ બિલિયન ડોલર (લગભગ ૧.૨૧ લાખ કરોડ રૂપિયા)માં ખરીદ્યું છે.

આ ઉપરાંત, મેટાએ ૨૦૨૮ સુધીમાં એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ૬૦૦ બિલિયન ડોલર (લગભગ ૫૦ લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ભારે ખર્ચને પહોંચી વળવા માટે કંપની કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું વિચારી રહી છે.

ઝકરબર્ગે જાહેર કર્યું છે કે,  હવે મોટા કામ માટે મોટી ટીમની જરૂર નથી માર્ક ઝકરબર્ગે પહેલા જ સંકેત આપ્યો હતો કે અઈં એ ઉત્પાદકતાને સરળ બનાવી દીધી છે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે જે પ્રોજેક્ટ્સ પહેલા મોટી ટીમો દ્વારા પૂરા કરવામાં આવતા હતા, તે હવે અઈં ની મદદથી એક સિંગલ ટેલેન્ટેડ વ્યક્તિ દ્વારા પૂરા કરી શકાય છે.

મેટાની અત્યાર સુધીની સૌથી મોટી છટણી થઈ શકે છે. જો કંપની ૨૦ ટકા કર્મચારીઓને છૂટા કરે છે, તો તે મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણી હશે. આ પહેલા નવેમ્બર ૨૦૨૨માં કંપનીએ ૧૧,૦૦૦ લોકોને છૂટા કર્યા હતા. તેના બરાબર ચાર મહિના પછી માર્ચ ૨૦૨૩માં ૧૦,૦૦૦ વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા.