જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વ્યાપાર અને વાણીના દાતા ગણાતા ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ ટૂંક સમયમાં જ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. બુધના આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 11મી જૂન, 2026ના રોજ સવારે 11.30 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ આર્દ્રા નક્ષત્રમાંથી ગોચર કરીને દેવગુરુ બૃહસ્પતિના સ્વામીત્વવાળા 'પુનર્વસુ' નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુવારના દિવસે ગુરુના જ નક્ષત્રમાં બુધનું આ ગોચર જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે.
બુધ આગામી આઠમી જુલાઈ સુધી આ નક્ષત્રમાં ભ્રમણ કરશે. અગિયારમી જૂનથી લઈને આઠમી જુલાઈ સુધીનો આ સમયગાળો મુખ્યત્વે ત્રણ રાશિઓ માટે સુખદાયક અને 'રાજયોગ' સમાન સાબિત થવાનો છે. ચાલો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ...
મિથુનઃ
બુધનું આ નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે વરદાન સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક ચિંતાઓ દૂર થશે અને જીવનમાં સંતુલન આવશે. કરિયરમાં કરેલા જૂના પ્રયત્નોનું હવે મીઠું ફળ મળશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે. જો તમારા કોઈ સરકારી કે કાનૂની કાર્યો લાંબા સમયથી અટકેલા હતા, તો તે ૧૧ જૂન પછી પૂરા થઈ જશે. દામ્પત્ય જીવનમાં પણ મધુરતા વધશે.
સિંહઃ
સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે, જે બુધ ગ્રહના પરમ મિત્ર માનવામાં આવે છે. તેથી બુધનું આ ગોચર તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે, જેનાથી તમે અઘરા નિર્ણયો સરળતાથી લઈ શકશો. વ્યાપારીઓને અચાનક કોઈ મોટો આર્થિક લાભ થવાના મજબૂત યોગ છે. આઈટી અને ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન અથવા મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકોની મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે.
તુલાઃ
બુધના નક્ષત્ર બદલવાથી તુલા રાશિના જાતકોના સામાજિક અને આર્થિક જીવનમાં મોટો ઉછાળો આવશે. તમારી વાણીમાં અદભુત મધુરતા આવશે, જેનાથી તમે સામાજિક સ્તર પર લોકોના દિલ જીતી શકશો. રાજનીતિ કે સામાજિક કાર્યોમાં સક્રિય લોકોની લોકપ્રિયતામાં વધારો થશે. જો તમે નવો વ્યાપાર કે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારી કોઠાસૂઝથી તમે તેમાં મોટી સફળતા મેળવી શકશો. આર્થિક રીતે તમે પહેલા કરતાં વધુ સદ્ધર બનશો. ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ વધશે અને પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળશે.