મથુરાઃ દેશના મંદિરમાં ક્યારેક ભીડ બેકાબુ થઈ જાય છે તો ક્યારેક પ્રસાદમાં ભેળસેળથી વિવાદ થાય છે. હવે મથુરાના જાણીતા બાંકે બિહારી મંદિરમાં ગેટ નં. 5 પાસે છતનું છજું પડ્યું હતું. આ ઘટનામાં અનેક ભાવિકોને ઈજા પહોંચી છે. અચાનક હવામાનમાં પલટો આવતા ઘરનું ઉપરનું છજુ અચાનક પડી ગયું હતું.દર્શન કરવા માટે આવેલા ભાવિકો પર આ છતનો ભાગ પડતા અનેક ભાવિકોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
મકાનની છત નબળી હતી
ઈજાગ્રસ્ત ભાવિકોને વૃંદાવનની નજીકની હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આસપાસમાંથી વેપારીઓ તથા સ્થાનિકો દોડી આવ્યા હતા.પ્રાથમિક જાણકારી અનુસાર મંદિર પાસે એક ખાનગી મકાનના બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ મકાનની છત પહેલાથી જ નબળી હતી. એકસાથે મોટી સંખ્યામાં વાનરો છત પર બેસી ગયા હતા આ ભાર સહન ન કરી શકતી છત આખરે તૂટી ગઈ હતી. આ ઘટનાને લઈને એક ભાવિકે કહ્યું હતું કે, જે સમયે છજુ પડ્યું એ દરમિયાન અનેક લોકો આ છતની નીચે ઊભા હતા. આ કારણે લોકોને ઈજા પહોંચી હતી.
સ્થાનિકો-શ્રદ્ધાળુઓમાં દોડધામ
મથુરામાં આવેલા બાંકે બિહારીલાલ મંદિર પાસે છત પડી જતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાને કારણે મંદિર પરિસરમાં પણ પણ દોડધામ મચી ગઈ હતી.જ્યાં આ ઘટના બની ત્યાંથી મંદિર ખૂબ જ નજીક છે. વાનરોના વજનને કારણે આ છત પડી ગઈ હતી. પાંચ જેટલા ભાવિકોને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગત સામે આવી છે. આ શ્રદ્ધાળુઓને સારવાર માટે યુદ્ધના ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એકસાથે મોટી સંખ્યામાં વાનર અહીં આવીને બેસી જતા છતનો ભાગ હલવા લાગ્યો હતો. પછી છત અચાનક પડી ગઈ હતી. જ્યારે છત પડી ત્યારે નીચે શ્રદ્ઘાળુઓ ઊભા હતા. આ મકાન સુધીર ગોસ્વામીનું હોવાનું જાણવા મળ્યું છે. પાડોશી શિવકુમારે જણાવ્યું હતું કે, આ છત પર પહેલાથી જ તિરાડ પડી ગઈ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે ભારે પવન ફૂંકાવવાનો ચાલું હતો, આ છતનો કાટમાળ આખી શેરીમાં વિખેરાઈ ગયો હતો.
પોલીસ ટીમને વિશેષ જવાબદારી
પોલીસ ટીમે યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર માટે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ભાવિકોને ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ ટીમને યુદ્ધના ધોરણે જવાબદારી સોંપાઈ હતી. વટીવટી તંત્રએ જુના અને જર્જરિત મકાનનું નિરિક્ષણ કરવા આદેશ આપ્યા છે. સ્થાનિકો તથા શ્રદ્ધાળુઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે, વહીવટી તંત્ર નિયમત સમયે તપાસ કરે તો ફરીવાર આવી ઘટના ન બને.