ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા નીકળેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર નાટ્યાત્મત રીતે છાશવારે હુમલાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. આ દરમિયાન આજે ગુજરાત વિધાનસભામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદે ખનનનો સવાલ ઉઠાવ્યો હતો. જેનો સરકારે ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
શું પૂછ્યો સવાલ મેવાણીએ
ધારાસભ્ય મેવાણીએ પૂછ્યું, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ખાણ-ખનીજનું ગેરકાયદે ખનન કરતાં કેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, કેટલા લીઝના પરવાના રદ કરવામાં આવ્યા અને કેટલા વાહનો તથા કેટલા રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી?
સરકારે શું આપ્યો જવાબ
જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા 88 લોકો અને બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા 32 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જોકે આ તારીખ સુધીમાં ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં એક પણ પરવાના રદ કરવામાં આવ્યા નથી.
આ ઉપરાંત, ગાંધીનગર જિલ્લામાં 21 વાહનો અને અંદાજે 895 લાખ રૂપિયાની તથા બનાસકાંઠા જિલ્લામાં કુલ 23 વાહનો અને અંદાજે 637.75 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા ગાંધીનગર જિલ્લા ભૂસ્તર અધિકારી અને એક મહિલા માઈન્સ સુપરવાઈઝરની કારને ખનીજ માફિયાઓએ ફિલ્મી સ્ટાઈલમાં કાળા કાચ અને નંબરપ્લેટ વગરની લક્ઝુરિય ચાર કારથી ઘેરી ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કરવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર જિલ્લામાં સિસ્ટમથી ખનીજનું નેટવર્ક ચલાવતા માફિયાઓએ માણસાથી ઈન્ફોસિટી અધિકારીની કારનો પીછો કર્યો હતો. આખરે ગભરાઈને મહિલા માઈન્સ સુપરવાઈઝરે 112માં મદદ માંગી હતી.
આ પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી. ત્રણ મહિના પહેલાં ગાંધીનગર-છત્રાલ હાઇવે પર ભૂસ્તર વિભાગના દેવયાનીબા જાડેજાની ટીમે એક ગેરકાયદે રીતે રેતી ભરેલું ડમ્પર પકડ્યું હતું, પરંતુ ખનન-માફિયાઓ આ ડમ્પર છોડાવીને નાસી છૂટ્યા હતા. ત્યાર બાદ એક્શન-થ્રિલર ફિલ્મને પછાડે એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ભૂસ્તર વિભાગની ટીમે તેનો પીછો શરૂ કર્યો, ત્યારે ત્રણ શખસે ખનીજ-માફિયાઓની બે કારે દેવયાનીબાની સરકારી ગાડીને આગળ-પાછળથી ધીમી ગતિએ કોર્ડન કરીને ડમ્પરને છોડાવી જવામાં મદદ કરી હતી. આ મહિલા અધિકારી અને તેની ટીમને બાનમાં લઈ ખનીજ-માફિયાઓ રેતીનું ડમ્પર છોડાવી ગયા હતા.