Fri Sep 04 2026

Logo

માનખુર્દમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પર વજનદાર પાઇલિંગ રિગ પડતાં કોન્સ્ટેબલનું થયું મોત

2026-04-29 18:15:00
Author: Yogesh D. Patel
માનખુર્દમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પર વજનદાર પાઇલિંગ રિગ પડતાં કોન્સ્ટેબલનું થયું મોત

મુંબઈ: માનખુર્દ વિસ્તારમાં નિર્માણાધીન ફ્લાયઓવરની સાઇટ પર મંગળવારે વજનદાર પાઇલિંગ રિગ પોલીસ કોન્સ્ટેબલ પર પડતાં તેનું મૃત્યુ થયું હતું. માનખુર્દમાં સાયન-પનવેલ હાઇવે પર ઉત્તર તરફ જતા કૅરેજવૅ પર મંગળવારે રાતના આ અકસ્માત થયો હતો, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સંતોષ ગોપાલ ચવાણ મોટરસાઇકલ પર તેના ઘરે જઇ રહ્યો હતો,એમ અધિકારીએ જણાવ્યું હતું.

માનખુર્દ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે જ્યાં ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં પાયો ડ્રિલ કરવા માટે પાઇલિંગ રિગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને તે તૂટી પડી હતી, જેમાં ચવાણને ગંભીર ઇજા પહોંચી હતી. 

ઘવાયેલા ચવાણને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ચવાણ નેહરુ નગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો અને તેને હાલ ચેમ્બુરમાં ઇસ્ટ ક્ધટ્રોલ રૂમમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે બેદરકારી બદલ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કોન્ટ્રેક્ટરો અને સુપરવાઇઝર્સની ભૂમિકા તપાસમાં આવી રહી છે. ઉપરાંત ક્ધસ્ટ્રકશન સાઇટ પર સલામતીનાં સાધનો પૂરાં પાડવામાં આવ્યાં હતાં કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે મેટ્રોના બાંધકામ દરમિયાન પંદરમી એપ્રિલે મોબાઇલ ક્રેન પડી ગઇ હતી. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી. ફેબ્રુઆરીમાં મુલુંડ વિસ્તારમાં મેટ્રો રેલ લાઇનના ગર્ડર બ્રિજનો સ્લેબ અમુક વાહનો પર તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ત્રણ જણ ઘવાયા હતા. (પીટીઆઇ)