મુંબઈ: રાહદારીઓની ભીડ વચ્ચે ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી ફાલૂદા વેચનારાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના માનખુર્દમાં બની હતી. હત્યા બાદ આરામથી ચાલતો પસાર થઈ જનારો આરોપી યુવક સીસીટીવી કૅમેરામાં ઝડપાયો હતો.
માનખુર્દ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ વાહિદ મસીબુલ્લા શેખ (28) તરીકે થઈ હતી. શેખ પર તેના જ ઓળખીતા યુવકે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
માનખુર્દના મંડાલા વિસ્તારમાં આવેલી એક હોટેલ બહારના સીસીટીવી કૅમેરામાં હત્યાની ઘટના કેદ થઈ હતી. બાદમાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ સોશ્યલ મીડિયા પર વાયરલ થયાં હતાં. પોલીસે ફૂટેજને આધારે આરોપીને ઓળખી કાઢ્યો હતો.
ફૂટેજમાં નજરે પડે છે કે ફાલૂદા વેચનારો શેખ રેકડી લઈને ગલીમાંથી પસાર થાય છે. તે સમયે પાછળથી ઉતાવળે પગલે યુવક ચાલતો આવે છે. પછી યુવક ચાકુથી ઉપરાછાપરી ઘા ઝીંકે છે અને શેખ જમીન પર ફસડાઈ પડે છે. હુમલા બાદ યુવક આરામથી ચાલતો ત્યાંથી પસાર થઈ જાય છે.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બેભાન શેખને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.