Mon Jun 15 2026

Logo

માનસ મંથનઃ વર્તમાન સમયની બુરાઈઓ માટે વર્તમાન સમાજ જવાબદાર હોય છે

2026-06-15 08:05:07
Author: મોરારિબાપુ
Article Image

મોરારિબાપુ

વૃંદાવનના સાધુ- સંતોએ મીરાંને પૂછ્યું તો કૃષ્ણને 5000 વર્ષ થઈ ગયાં છે, છતાં દીવાની થઈને શું કામ ફરે છે ? શું મળ્યું તને ? તો મીરાંએ કહ્યું, પંડિતો, વગર વિચારે અને વગર જાણે નિવેદન ન કરો !. આપને કોઈકે ખોટી માહિતી આપી છે કે મીરાં કૃષ્ણને શોધવા નીકળી છે! હું કૃષ્ણને શોધવા નથી નીકળી, હું તો કૃષ્ણને શોધવામાં જે આનંદ આવે છે એ આનંદ લૂંટવા નીકળી છું. એક વસ્તુ યાદ રાખજો મારાં ભાઈ-બહેન, તમે લાખ આચરણ કરો એનાથી ઈશ્વર મળવાના નથી. તમે કહો કે હું ત્રિકાળ સંધ્યા કરું; પાંચ વખત બંદગી કરું; ચારધામની યાત્રા કરું. પરંતુ એનાથી ઈશ્વર નહીં મળે. સારું આચરણ વ્યવહાર માટે જરૂરી છે, પરંતુ ઈશ્વર આપણી પાસે ભીખ નથી માગતા.

તુલસીદાસજીએ વિનય પત્રિકામાં લખ્યું હતું કે તમે સુશીલ હોત તો પરમાત્મા મળે ? વિદ્યાવાન હો તો પરમાત્મા મળે? નહીં. તુલસી ક્રાંતિકારી મહાપુરુષ છે. એમણે કહ્યું, ભગવાન મળી જશે ત્યારે તમે પવિત્ર થઈ જશો;ભગવાન મળી જશે ત્યારે તમે સુશીલ થઈ જશો. જે સુશીલ હોય એને હરિ બાહોમાં લે છે એવું નથી. જેને હરિએ બાહોમાં લીધા છે એ સુશીલ છે.તુલસી ક્યારેક વાસંતી નામને ગણિકાને મળવા ગયા હતા. એટલા માટે હું દિપાવલી પછી પહેલી કથા અયોધ્યામા ‘માનસ- ગણિકા’ કરવા જઈ રહ્યો છું. 

મને ખબર છે કે ધર્મ જગત તપશે ! યસ, થોડી હલચલ શરૂ થઈ ગઈ છે ! પરંતુ જો તુલસી ગણિકા પાસે જઈ શકે તો તુલસીની કથા કેમ ન જઈ શકે? મારી વ્યાસપીઠે જેને સ્વીકારવા માટે કોઈ રાજી નથી એવા ક્ધિનરોની કથા ગાઈ. હવે મારા કદમ ઊઠી રહ્યા છે અયોધ્યા તરફ, જ્યાં માનસ ગણિકાનું ગાયન થશે. તમે પણ આવજો એ કથામાં. જેને કથાની જરૂર છે ત્યાં કોઈ કથા કેમ ન ગઈ ? આ કથા તો જન-જની ગાથા છે. એટલે ત્યાં પહોંચાડવી પડશે. આજના તડકા માટે જવાબદાર આજનો સૂરજ જ હોય છે. 

આજે સમાજમાં કોઈ બુરાઈ હોય તો આજના લોકો જ એના માટે જવાબદાર છે. એને માટે જવાબદાર કોઈ ધર્મ કે વેદ નહીં હોય. એના માટે જવાબદાર કોઈ હોય તો આપણા જેવા લોકો છે અને આ ભગવાન બુદ્ધનું વાક્ય છે મારું વાક્ય નથી. બુદ્ધને એક માણસે ગાળો દીધી તો પણ બુદ્ધ ચૂપ રહ્યા. બીજે દિવસે એ જ માણસ આવ્યો અને કહેવા લાગ્યો, મને માફ કરશો, કાલે મેં શરાબ પીધી હતી એટલે આપને ગાળો દીધી! તો બુદ્ધે કહ્યું, નહીં બેટા, આજે નવો સૂરજ ઊગી ગયો છે. વર્તમાન ધર્મ પ્રેક્ટિકલ બને !

હું ગયો અલ્હાબાદ પાસે શૃંગવેરપુર, નિષાદોની ભૂમિ પર, જ્યાંથી ભગવાન રામે વનવાસ દરમિયાન ગંગાપાર કરી હતી. ત્યાં એક કથા હતી. કથા દરમિયાન સામાન્ય રીતે સાંજે હું ભિક્ષા માગવા માટે નીકળી જતો હોઉં છું. આખું ગામ નિષાદોનું હતું. એક સાંજે હું નીકળી ગયો અને એક ઝૂપડામાં ગયો. મારી સાથે બે ત્રણ પોલીસ પણ હતા. મેં ના પાડી કે રહેવા દો, લોકો ડરી જશે; મારે પોલીસની જરૂર નથી.મને એકલો જવા દો. તેમ છતાં એ ગામના મુખી મારી પાછળ પાછળ આવ્યા. હું ગયો એક ઝૂંપડામાં. 

આ મારી વાત છે એટલે નથી કહેતો, મારા શ્રોતાઓને પ્રેરણા મળે એટલા માટે કહું છું. આ વાત એટલા માટે કહું છું કે તમારા બાપુને ગુરુદક્ષિણામાં આ જ કે તમે પણ આવું કંઈક કરો. હું ગયો તો એક ઝૂંપડામાં એક મા બેઠી હતી. એક-બે બાળકો હતા. મેં કહ્યું કે હું અહીં બેસી શકું? એણે કહ્યું હા બેસો. મેં કહ્યું કે હું ગંગાજળ આપું; મા, આપ મારા માટે એક રોટી બનાવી દેશો ? તો કહે આપ અમારી રોટી ખાશો? 

એક તો લોકો અમને ગામની બહાર પણ નથી રહેવા દેતા, એમાં જો એક સાધુને રોટી ખવડાવીએ તો અમને ક્યાંયના નહીં રહેવા દે! માફ કરજો બાપુ ! મેં કહ્યું, નહીં, માતાજી તમે ચિંતા ના કરો. લોટ હોય તો રોટલી બનાવી દો. પછી તો એ માતાજી એટલાં ખુશ થયાં કે ના પૂછો વાત ! ઘઉંનો લોટ લઈ આવ્યાં. મેં ગંગાજળ આપ્યું. એણે અગ્નિ જલાવ્યો.. રોટી બનાવી. એણે બનાવેલી અને પીરસેલી રોટી મેં ભિક્ષામાં ખાધી.

હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે ત્યાંના મુખી મને કહે, બાપુ, અમારા ગામમાં આપ આવ્યા છો અને આમ ગમે ત્યાં, ગમે તેના ઘરમાં ચાલ્યા જાઓ છો ! જરા અમને પૂછો તો ખરા ! આ સાવ દલિતનું ઘર છે અને ત્યાંથી આપે રોટલી લીધી? ધર્મનું શું થશે? કેટલાક લોકો જાણે ધર્મનો ઠેકો લઈને બેઠા છે ! મેં કહ્યું કે સાંભળો મુખિયાજી, ગંગાજળ પવિત્ર છે કે નહીં ? તો કહે, હા છે. મેં કહ્યું અગ્નિ પવિત્ર છે કે નહીં? કહે છે. અને અન્ન બ્રહ્મ છે કે નહીં ? તો કહે હા. તો પછી જવાબ આપો કે હું કેટલી બધી પવિત્રતા પાસે ગયો હતો ! 

એક તો ગંગાજળ પવિત્ર, અન્ન પવિત્ર, એ માની આંખમાંથી આંસુ પડતાં હતાં એના જેવું પવિત્ર બીજું જળ કયું હોઈ શકે ? એ આંસુ પવિત્ર અને એણે એટલા ભાવથી રોટી બનાવી હતી તો પછી હું ભ્રષ્ટ કેવી રીતે થઈ શકું? બાપ ! માણસ કર્મોથી ભ્રષ્ટ થાય છે, તથાકથિત ધર્મથી નહીં. હું મારા અનુભવની આવી કેટલીક વાતો આપને એટલા માટે કહી રહ્યો છું કે આપ મારા શ્રોતા છો, આટલા રસપૂર્વક, આટલો સમય કાઢીને મને સાંભળી રહ્યા છો, તો તમે પણ આવું કંઈક કરો. 
- સંકલન: જયદેવ માંકડ