હેમંત વાળા
સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે કામનાઓનું આશ્રયસ્થાન મન છે. ઇન્દ્રિયો પોત પોતાના વિષયોમાં રાગ અને દ્વેષ અનુભવે છે, આની પાછળ મનમાં સંગ્રહાયેલી વૃત્તિની અસર મહત્ત્વની છે. સ્વતંત્ર રીતે ઇન્દ્રિયોની કોઈ પસંદ નથી કે નથી હોતી કોઈ નાપસંદ. સ્વતંત્ર રીતે ઇન્દ્રિયમાં નિર્ણય શક્તિ નથી. ઇન્દ્રિયોની શક્તિ તથા પ્રેરક મન છે. મનમાં ઉદ્ભવતા તરંગ પ્રમાણે ઇન્દ્રિયો કાર્યરત થાય છે. મનની ધારણા મુજબ તે ખેંચાણ અનુભવે અથવા વિરોધ નોંધાવે. ઇન્દ્રિયો એ મનના સામ્રાજ્યનો વિષય છે. અહીં બૃહદારણ્યક ઉપનિષદમાં આ માટે હૃદયની વાત કરવામાં આવી છે. આ પણ યોગ્ય છે.
અંત:કરણની ચાર અવસ્થામાં હૃદયનું સ્થાન નથી. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારના સમૂહમાં હૃદયનો સમાવેશ નથી થતો. દર્શનશાસ્ત્રમાં આ ચારનો વિસ્તારથી ઉલ્લેખ થયો છે. તે મનોમય અસ્તિત્વના મુખ્ય અંગ ગણાય છે. મન એ વિચારશીલતાનું કેન્દ્ર છે. ઇન્દ્રિયોને પ્રેરિત કરી તેમની પાસેથી મળતી માહિતીને એકત્રિત કરી મન તેને યોગ્ય માળખામાં ગોઠવે છે. ખાવાનું જોઈને રસેન્દ્રિય ખાવા માટે પ્રેરિત થાય તે પ્રમાણેની મન ગોઠવણ કરે. તે ખાદ્ય પદાર્થો યોગ્ય છે કે નહીં તે નિર્ણય કરવાનું કામ બુદ્ધિનું છે. બુદ્ધિ વિવિધ વસ્તુઓનું વિશ્ર્લેષણ કરી, અર્થઘટન, તર્ક અને મૂલ્યને આધારે નિર્ણય લે છે. બુદ્ધિને જ્ઞાન તથા વિવેકનો આધાર માનવામાં આવે છે.
ચિત્ત એ સંસ્કાર અને ભાવનાનું સંગ્રહસ્થાન છે. જન્મોથી ચાલી આવતી સ્મૃતિ ચિત્તમાં જળવાયેલી રહે છે. એમ કહેવાય છે કે મૃત્યુ વખતે પવન જેમ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય તેમ ચિત્ત આ જન્મના સંસ્કારને બીજા જન્મ સુધી ખેંચી જાય. અહંકાર એ ‘હું’ અને ‘મારું’નો ભાવ છે. દરેક અસ્તિત્વની પોતાની ઓળખ હોય છે અને આ ઓળખ પ્રત્યેનો લગાવ એટલે અહંકાર. દરેક વ્યક્તિ અન્યથી ભિન્ન હોય છે, આ ભિન્નતા માટેનું મમત્વ એટલે અહંકાર. અસ્તિત્વ ટકી રહેવાનું મૂળ કારણ અહંકાર છે. અહંકારને કારણે વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે, પોતાના અસ્તિત્વ પ્રત્યે લગાવ જન્મે છે, સૃષ્ટિના દરેક તત્વથી, દરેક સર્જનથી જાતને ખાસ જોવાનો પ્રયત્ન થાય છે. આ હું છું અને આ મારું છે - અસ્તિત્વનું મૂળ આ ધારણા છે.
હૃદય આ બધાંથી ભિન્ન છે. હૃદય સત્ય છે. હૃદય સત્યની સાબિતી છે. હૃદય સત્યને પામી શકવાની આશા છે. હૃદય કશું જ નથી કરતું, છતાં પણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તેને કારણે કાર્યરત રહે છે. હૃદયને કારણે મન જે તે પ્રકારનું ખેંચાણ અનુભવે છે. હૃદય છે એટલા માટે બુદ્ધિ તર્કબદ્ધ નિર્ણય લઈ શકે છે. હૃદયની હાજરીને કારણે ચિત્તમાં એકત્રિત થયેલ સંસ્કાર અસર છોડે છે. અહંકાર ટકી રહે છે કારણ કે હૃદય કાર્યરત છે. હૃદય કશું જ નથી કરતું, પરંતુ તે સર્વનું કારણ છે કારણ કે તેમાં પરમાત્માનો વાસ છે.
હૃદય તો એ વાસ્તવિકતા છે કે જ્યાં ઈશ્વરનો વાસ છે. ગીતામાં પણ જણાવાયું છે કે સર્વસ્ય ચાહં હ્રદિ સન્નિવિષ્ટો અર્થાત હું સર્વના હૃદયમાં સ્થિત છું. હૃદય ચૈતન્યનું સ્થાન છે. હૃદય અસ્તિત્વનું કારણ છે. હૃદય છે, કાર્યરત છે, આત્મા સહિત છે એટલા માટે સ્થૂળ તેમજ સૂક્ષ્મ બાબતો અસ્તિત્વમાં આવે છે. હૃદયમાં રહેલ પુરુષ કારણ અસ્તિત્વનું કારણ છે, બાકીની બધી પરિસ્થિતિ પ્રકૃતિનાં સ્વરૂપ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, બધાં જ નિષ્ક્રિય બની રહે, જો ચૈતન્ય હૃદયનો ત્યાગ કરી દે.
જો બધું જ હૃદયને આધારે હોય તો સ્વાભાવિક છે કે અંત:કરણની પ્રત્યેક સ્થિતિ હૃદયને કારણે છે. અંત:કરણ જે જે સ્વરૂપ ધારણ કરે છે, જે જે કારણથી સ્વરૂપ ધારણ કરે છે, તેના અસ્તિત્વ માટે જે જે પરિબળો કારણભૂત છે, તે બધાંનાં મૂળમાં હૃદય છે એમ કહી શકાય. વાસ્તવમાં હૃદયમાં કામના હોતી જ નથી પણ હૃદયમાંથી કામના છૂટવી એટલે અંત:કરણના દરેક સ્વરૂપમાંથી કામનાની બાદબાકી થવી. અંત:કરણનું દરેક સ્વરૂપ જ્યારે સ્વમાં પરત ફરે ત્યારે આપમેળે હૃદયની કામના શૂન્યતાને પામે.
અહીંયા સમજવાનો શબ્દ કામના છે. જ્યાં રહેતી હોય ત્યાં, તેનું જે સ્વરૂપ હોય તે, તેની પાછળ જે પરિબળો કાર્યરત હોય તે, તેનો જે હેતુ હોય તે, તેનું જે પરિણામ આવતું હોય તે, તેનો આધાર જે હોય તે - આ એટલું મહત્વનું નથી જેટલું તેનો નાશ મહત્ત્વનો છે. અહીં હોય કે ત્યાં, કામનાનો અંત આવે એટલે જીવનની મુક્તિ. ગીતામાં પણ કહેવાયું છે કે કામનાથી મુક્તિ એટલે વાસ્તવિક મુક્તિ. એમ કહેવાય છે કે કામના બાકી રહે અને શ્વાસ પૂરાં થાય તો મૃત્યુ આવે અને કામના પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહે તો જીવતાં જ મુક્તિની અનુભૂતિ મળી શકે.
જે પ્રમાણે પ્રવાહ ચાલુ હોય તે પ્રમાણે કામનાના સ્થાન માટે ક્યારેક મન તો ક્યારેક બુદ્ધિ, ક્યારે અહંકાર તો ક્યારેક ચિત્ત, ક્યારેક હૃદય તો ક્યારેક પ્રકૃતિનો સંદર્ભ ટાંકવામાં આવે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં આ સ્વીકૃત બાબત છે. શબ્દ મહત્વનો નથી, તેની પાછળનો અર્થ ગૂઢ મહત્ત્વનો છે. બૃહદારણ્યક ઉપનિષદનું આ વિધાન છે. અહીં કહેવામાં આવ્યું છે કે જ્યારે મર્ત્ય મનુષ્યના હૃદયનો આશરે કરીને રહેલી બધી કામનાઓ છૂટી જાય,ત્યારે એ અહીં જ બ્રહ્મરૂપ અર્થાત અમર બનીજાય.