Fri May 01 2026

Logo

મનનઃ જગતની ઉત્પત્તિનું કારણ

2026-04-06 09:00:00
Author: Hemant Wala
Article Image

 

હેમંત વાળા

સૃષ્ટિની ઉત્પત્તિ આકસ્મિક હોઈ શકે, પ્રયોજિત હોઈ શકે, પ્રકૃતિગત સ્વાભાવિક હોઈ શકે કે મસ્તીમાં હોઈ શકે. આ ઉત્પત્તિના પ્રકારને આધારે સર્જક વિશે, ઈશ્વર વિશે કેટલીક વાતો સમજમાં આવી શકે. સર્જનના પ્રકાર અને તેની સાથે જોડાયેલ કારણ સમજમાં આવે તો સર્જક વિશે ચોક્કસ પ્રકારની ધારણા બાંધવી સરળ બની રહે. જો સૃષ્ટિની ઉત્પત્તિ આકસ્મિક હોય તો એમ કહી શકાય કે ઈશ્વરના નિયંત્રણમાં બધું જ નથી. 

સૃષ્ટિની ઉત્પત્તિ પ્રયોજિત હોય તો ઈશ્વર પણ ચોક્કસ પ્રકારની અપેક્ષાઓથી બાધિત છે તેમ કહી શકાય. સૃષ્ટિની ઉત્પત્તિ સ્વાભાવિક હોય તો ઈશ્વર સાથે પણ સ્વભાવ અને તેનાથી સ્થાપિત થતી પ્રક્રિયા સંલગ્ન છે તેમ સમજી શકાય. સૃષ્ટિનું સર્જન જો મોજ મસ્તીમાં થયું હોય તો ઈશ્વર નિજાનંદ મસ્તીમાં અલ્હડ છે એમ માનવા મન પ્રેરાય.

ગીતામાં સાધુ પુરુષ વિશે એમ પણ એમ કહેવાયું છે કે તેઓ બ્રહ્મની જેમ સમાન અને નિર્દોષ હોય છે - ‘નિર્દોષં હિ સમં બ્રહ્મ’. બ્રહ્મ જો નિર્દોષ હોય તો સૃષ્ટિની ઉત્પત્તિ આકસ્મિક હોઈ શકે, મોજ-મસ્તીમાં હોઈ શકે કે સ્વભાવ ગ્રસ્ત પણ હોઈ શકે. નિર્દોષ બાળક જે કંઈ કરે તે આકસ્મિક હોઈ શકે, તેની ચેષ્ટામાં અપ્રયોજિત મોજ-મસ્તી હોઈ શકે અને ‘બાળકપણા’ના સ્વાભાવિક સ્વભાવને પરિણામે ઉત્પન્ન થતી પ્રક્રિયા પણ હોઈ શકે. અહીં બાળકની ચેષ્ટા કે સૃષ્ટિનું સર્જન પ્રાયોજિત હોવાની સંભાવનાનો છેદ ઊડી જાય.

ગીતામાં જણાવ્યું છે કે ઈશ્વરે પોતાના ભાવ પ્રમાણે પોતાના મન વડે સૃષ્ટિનું સર્જન કર્યું છે. ગીતામાં એમ પણ જણાવ્યું છે કે ઈશ્વર તેની પ્રકૃતિ અર્થાત માયાને આધારે સમગ્ર ભૂતગ્રામનું, જડચેતન સૃષ્ટિનું ફરી ફરી સર્જન અને વિસર્જન કરે છે - ‘પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુન: પુન:’. અહીં એમ સમજી શકાય કે ઈશ્વર સર્જન કરે છે અને વિસર્જન કરે છે અર્થાત તે આકસ્મિક પ્રક્રિયા નથી. અહીં બધું જ નિયમોને આધીન થઈ રહ્યું છે. અકસ્માતના પણ નિયમો હશે પણ તે નિયમો અપવાદમાં આવે અને સૃષ્ટિના સર્જનમાં અપવાદની સંભાવના ન હોય તે સ્વાભાવિક છે. આમ જગત-સૃષ્ટિ આકસ્મિક પ્રક્રિયા છે તે ધારણાનો છેદ ઊડી જાય છે.

બે સંભાવનાઓ બાકી રહે, મોજ-મસ્તી યુક્ત પ્રક્રિયા અથવા સ્વાભાવિક રીતે સ્થાપિત થતી પરિસ્થિતિ. આ બંને બાબતોને ભિન્ન ભિન્ન રીતે જોવી કંઈક મુશ્કેલ છે. મસ્તી યુક્ત પ્રક્રિયા પણ સ્વાભાવિક હોઈ શકે અને સ્વાભાવિક પ્રક્રિયામાં મસ્તીનો સમાવેશ પણ સંભવ છે. નિર્દોષ બાળક મસ્તી એટલા માટે કરે છે કારણ કે તે તેની પ્રકૃતિ છે, તે તેનો સ્વભાવ છે, તેની જે તે અવસ્થાને કારણે સ્થાપિત થતી પરિસ્થિતિ છે, તેનાં નિર્દોષ અપ્રયોજિત અભિગમનું પરિણામ છે. સૃષ્ટિના સર્જનમાં આ બંનેનો સમન્વય હોય તેમ પ્રતીત થાય છે.

અન્યને પરેશાન કરીને, અન્યની મજાક ઉડાડીને, કેટલાંક લોકો મસ્તી કરતા હોય છે, અહીં તેમ નથી. અહીંની મસ્તી નિર્દોષ છે. માતા જ્યારે ઘઉં સાફ કરતી હોય અને બાળક એક મુઠ્ઠીમાં ઘઉં ભરીને બહાર જઈ આંગણામાં વેરે તો તેની પાછળ તેનો કંઈ ‘મહાન આશય’ નથી હોતો. તેની ઈચ્છા માતાને પરેશાન કરવાની નથી હોતી, આંગણામાં ઘઉં ઉગાડવાની કે પક્ષીઓને ચણ આપવાની ગોઠવણ નથી હોતી, 

ઘરમાં વધુ એકત્રિત થઈ ગયેલા ઘઉંનો નિકાલ કરવાની તેની ગણતરી નથી હોતી, પોતાની જે તે પ્રકારની ક્ષમતા વિશે અંદાજ મેળવવા માટેનો આ પ્રયત્ન નથી હોતો, આ સમગ્ર પ્રક્રિયાથી તે બાળક અમુક બાબત સ્થાપિત કરવા માંગે છે તેમ પણ નથી હોતું - છતાં પણ બાળક આમ કરે છે. આ તેની પ્રકૃતિ છે. આ તેની મસ્તી છે. એક રૂપક તરીકે જોઈએ તો બાળકને ઈશ્વર છે અને ઘઉં વેરવાની બાળકની ચેષ્ટા એ એક રીતેનું સર્જન છે.

જ્યારે સંકલ્પ થાય ત્યારે તે મુજબની પરિસ્થિતિ સર્જાય, તેવી અપેક્ષા રખાય. કોઈ શક્તિ એ રીતે સંકલ્પ કરે કે હું ચાલું - તો ચાલવા માટેનું અંગ ‘પગ’ માટેનો સંકલ્પ જરૂરી બને, ચાલવા માટેનાં સ્થાનની પરિકલ્પના સ્થાપિત થાય, અને ચાલવાની પ્રક્રિયાને પરિણામે સમયની ધારણા અસ્તિત્વમાં આવે. આમ એક સાથે અંગ, સ્થળ અને સમયની ધારણા સ્થાપિત થાય. ધારણાના દ્રઢીકરણથી તે વાસ્તવિકતા હોય તેમ પ્રતિત થવા માંડે. એમ જણાય છે કે સૃષ્ટિના સર્જનની આ પ્રક્રિયા છે. 

અહીં જે નિર્વિકલ્પ સંકલ્પની ધારણા કરવામાં આવી છે તે ઈશ્વરની પ્રકૃતિને કારણે હોઈ શકે તેમ જણાય છે. ગીતામાં, અગાઉ જણાવ્યા પ્રમાણે, આ વાત સ્થાપિત કરાઈ છે. વળી આ પ્રક્રિયા નિર્દોષ હોવાથી તે પ્રાયોજિત હોવાની સંભાવના નથી. ઇતિહાસ સાક્ષી છે કે નિર્દોષતા ભરેલું કોઈપણ કાર્ય ‘આશય’ વિનાનું હોય, જો તેની પાસે પાછળ કોઈ આશય હોય તો તે માત્ર તે ક્ષણ પૂરતી ‘મસ્તી’નો હોય. આ મસ્તી આશય હોય પણ મસ્તી માટે કોઈ આશય ન હોય. આ મસ્તી પણ સ્વભાવગત ઊભરાના પરિણામ સ્વરૂપ હોય.

કહેવાય છે કે વાલો મારો વિલસ્યો પોતાની મોજ રે ત્યારે એ વાત તો સ્પષ્ટ થાય છે કે ઈશ્વર (પોતાના સ્વભાવ અનુસાર) પોતાની મસ્તી માટે વિલસ્યો છે - મસ્ત થયો છે. આનંદ સ્વરૂપ પરમાત્મા આનંદમય થયો છે. વળી જ્યારે એમ કહેવાય કે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ થતી જાય છે. અહીં બ્રહ્મનો આશય લટકાં કરવાનો છે - મસ્તી કરવાનો છે, અને તે પણ બ્રહ્મ પાસે જ. આ સમગ્ર પ્રક્રિયા ઈશ્વરની અધ્યક્ષતા હેઠળ અસ્તિત્વમાં આવેલી ઘટના છે.

સૃષ્ટિની રચના એક નિર્દોષ ઘટના છે જેની પાછળ માત્ર નિજ-આનંદ-ચેષ્ટા સમાયેલી છે. સૃષ્ટિ સાથેનો વ્યવહાર પણ તે રીતનો જ હોવો જોઈએ, નિર્દોષ તેમજ આનંદમય.