Mon Oct 05 2026

Logo

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો તગડો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર

2026-05-01 15:01:00
Author: Mayur Patel
આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો તગડો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ માટે માઠા સમાચાર છે. મિચેલ સેંટનર આઈપીએલ 2026માં ઈજાગ્રસ્ત થયા બાદ બહાર થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં કાર્તિક શર્માનો કેચ પકડતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી. મિચેલ સેંટનર બહાર થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સે તેની ટીમમાં કેશવ મહારાજને સામેલ કર્યો છે.

એક મહિના સુધી મેદાનથી બહાર

ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટે આપેલી જાણકારી પ્રમાણે, મિચેલ સેંટનરને ખભામાં ગ્રેડ-3 એસીએલ ઈજા છે. જેના કારણે ઓછામાં ઓછો એક મહિનો ક્રિકેટથી દૂર રહેવું પડશે. 34 વર્ષીય સેંટનર આ સપ્તાહે જ ભારતથી ન્યૂ ઝીલેન્ડ પરત ફર્યો હતો. આજે સવારે તે ડૉક્ટરોને મળ્યો હતો અને તેને ઓછામાં ઓછો એક મહિનો આરામ અને રિહેબિલિટેશનની સલાહ આપી હતી.

બે ટેસ્ટ મેચ નહીં રમી શકે સેંટનર

27 મેથી ન્યૂ ઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ રમાશે. જે બાદ ન્યૂ ઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ રમશે. સેંટનર આયર્લેન્ડની સાથે ઈંગ્લેન્ડ સામેથી પ્રથમ ટેસ્ટ પણ ગુમાવશે. તે બીજી અને ત્રીજી ટેસ્ટમાં રમશે કે કેમ તેનો નિર્ણય  બાદમાં લેવામાં આવશે. આ બંને સીરિઝ માટે હજુ સુધી ટીમની જાહેરાત થઈ નથી.
 


મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 વિકેટ લીધી 3

34 વર્ષીય ડાબોડી સ્પિનર મિચેલ સેંટનર આઈપીએલ 2026માં 4 મેચ રમ્યો હતો અને 5 વિકેટ લીધી હતી. તેણે તેની કરિયરમાં ન્યૂ ઝીલેન્ડ તરફથી 32 ટેસ્ટ, 124 વન ડે અને 138 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તેણે ટેસ્ટમાં 78 વિકેટ, વન ડેમાં 133 અને ટી20 ઈન્ટરનેશનલમાં 142 વિકેટ ઝડપી હતી. ઉપરાંત 3500થી વધુ રન પણ બનાવ્યા છે. તેની કેપ્ટનશિપમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ  T20 વર્લ્ડ કપ 2026ની સેમિ ફાઈનલમાં પહોંચી હતી.

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો દેખાવ ધાર્યા મુજબનો રહ્યો હતો. અત્યાર સુધીમાં રમેલી 8 મેચમાંથી માત્ર 2 મેચ જ જીતી શક્યું છે. પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે છે. પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે મુંબઈ ઈન્ડિયન્સે બાકીની તમામ મેચ સારા નેટ રન રેટથી જીતવી પડશે.