Fri May 01 2026

Logo

બંગાળમાં મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા: મમતા બેનર્જી સ્ટ્રોંગરૂમ પહોંચ્યા, EVM સાથે છેડછાડનો આરોપ

2026-05-01 10:34:00
Author: Savan Zalariya
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે બંને તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે, 29 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ  થયાના એક દિવસ પછી  ગુરુવારે રાત્રે રાજ્યમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના અન્ય નેતાઓ કોલકાતામાં એક મતગણતરી કેન્દ્રના સ્ટ્રોંગરૂમ પર પહોંચ્યા હતાં, તેમણે ભાજપ પર EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો.  

રેકોર્ડતોડ મતદાન બાદ 4 મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, એ પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ગુરુવારે રાત્રે મમતા બેનર્જી ભવાનીપુરની સખાવત મેમોરિયલ સ્કૂલ પહોંચ્યા હતાં, શાળાના એક રૂમમાં EVM  રાખવામાં આવ્યા છે.  મમતા બેનર્જી એક ઉમેદવાર તરીકે શાળા પરિસરમાં પ્રવેશ્યા અને લગભગ 12:07 વાગ્યા સુધી ત્યાં જ રહ્યા.

ભાજપ EVM સાથે છેડછાડનો આરોપ:
પત્રકારો સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું, "ઘણી જગ્યાએ EVM સાથે છેડછાડ થઇ રહી હોવાની અમને જાણ થઇ છે. અહીં EVM સ્ટ્રોંગ રૂમ છે, એટલા માટે હું અહીં આવી છું.  હું અહીં આવી, પરંતુ કેન્દ્રીય દળોએ મને રોકી દીધી. મેં કહ્યું કે મને જવાનો અધિકાર છે, ચૂંટણીના નિયમ મુજબ, ઉમેદવારોને સીલબંધ રૂમની બહાર હાજર રહેવાની મંજૂરી છે, બાદમાં મને મંજૂરી આપવામાં આવી. જો છેડછાડ થશે, તો અમે લડીશું..." 

મમતા બેનર્જીએ કહ્યું, “પારદર્શકતા જાળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. લોકોના મતોનું રક્ષણ કરવું જોઈએ. ફરિયાદો મળ્યા પછી હું અહીં દોડી આવી. જો ગણતરી પ્રક્રિયામાં છેડછાડ કરવાનું કોઈ ષડયંત્ર  હશે, તો તેને સહન કરવામાં નહીં આવે.” 

TMCએ સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે, TMCએ દાવો કર્યો કે સ્ટ્રોંગ રૂમમાં કોઈપણ સંબંધિત પક્ષના હિસ્સેદારોની હાજરી વિના મતપેટીઓ ખોલવામ આવી રહી છે. TMCએ આરોપ લગાવ્યો કે ભાજપે ચૂંટણી પંચ સાથે મિલીભગત કરી છે. 

 


ભાજપના વળતા પ્રહાર:
ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી સામે ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ TMC પર વળતા પ્રહાર કર્યા 

તેમણે કહ્યું, "હું મતદારોને ખાતરી આપવા ઈચ્છું છું કે, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારને કોઈપણ અનુચિત લાભ ન ઉઠાવવા કડક સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી તેઓ સ્ટ્રોંગ રૂમ પરિસરમાં હાજર હતાં, ત્યાં સુધી મારા ચૂંટણી એજન્ટ વ્યક્તિગત રીતે તેમની પર કડક દેખરેખ રાખી હતી.”

ભાજપના રાજ્ય અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું, "તેઓ ખૂબ સારી રીતે જાણે છે કે તે ચૂંટણી હારી રહ્યા છે... તેમનો ખેલ ખતમ થઈ ગયો છે. લોકોએ પોતાનો નિર્ણય આપી દીધો છે. ટીએમસી સરકાર ગઈ છે."