કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ટીએમસીના નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. જેમાં હવે ટોલીવુડ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ કોયલ મલિકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી
કોયલ મલિકે રાજીનામું આપ્યા બાદ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાતનું સત્તાવાર કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેનાથી રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો શરૂ થઈ છે.
6 એપ્રિલ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા
ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસે 27 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજ્યસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળથી કોયલ મલિકની ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી. ત્યારબાદ 16 માર્ચ, 2026 ના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેઓ ચૂંટાયા અને 6 એપ્રિલ, 2026 ના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.
રાજીનામાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા
ટોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી તરીકે કોયલ મલિકના રાજકારણમાં પ્રવેશને ટીએમસી દ્વારા એક મુખ્ય વ્યૂહાત્મક પગલું માનવામાં આવતું હતું. જોકે, રાજ્યસભામાં સક્રિય ભૂમિકા ભજવતા પહેલા તેમના રાજીનામાએ ઘણા
પ્રશ્નો ઉભા કર્યા છે.
ટીએમસીને 15 વર્ષ બાદ કારમી હારનો સામનો કરવો પડ્યો
આ ઉપરાંત આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને 15 વર્ષ બાદ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ભાજપે જીત મેળવી હતી. તેની બાદથી મમતા બેનર્જીની ટીએમસીમાં પણ ભાગલા પડ્યા છે. તેમજ અનેક સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે.