માનવ શરીરની જૈવિક પ્રક્રિયાઓ હંમેશાં કુતૂહલ અને આશ્ર્ચર્યનો વિષય રહી છે. સામાન્ય રીતે ‘મેનોપોઝ’ શબ્દ સાંભળતા જ આપણી નજર સમક્ષ સ્ત્રીઓના જીવનમાં આવતો એક એવો તબક્કો આવે છે, જ્યાં તેમના માસિક ધર્મનો અંત આવે છે અને શરીરમાં મોટા પાયે હોર્મોનલ ફેરફારો થાય છે, પરંતુ વિજ્ઞાન અને આધુનિક તબીબીશાસ્ત્રના ઊંડા અભ્યાસ બાદ એક પ્રશ્ન વારંવાર ચર્ચાય છે કે શું પુરુષોને પણ મેનોપોઝ આવે છે?
આ પ્રશ્નનો ટૂંકો જવાબ ‘હા’ હોઈ શકે, પરંતુ તેની પ્રક્રિયા સ્ત્રીના મેનોપોઝ કરતાં ઘણી ભિન્ન અને જટિલ છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘એન્ડ્રોપોઝ’ અથવા ‘લેટ-ઓનસેટ હાઈપોગોનાડિઝમ’ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીમાં મેનોપોઝ એક નિશ્ર્ચિત સમયગાળામાં અચાનક આવે છે, જ્યારે પુરુષમાં આ પ્રક્રિયા અત્યંત ધીમી અને ક્રમશ: હોય છે, જે ઘણીવાર વર્ષો સુધી અનુભવાતી પણ નથી.
પુરુષના શરીરમાં મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન જવાબદાર હોય છે, જે તેમના પ્રજનન સ્વાસ્થ્ય, સ્નાયુઓની મજબૂતી, હાડકાની ઘનતા અને માનસિક સ્થિતિને નિયંત્રિત કરે છે. જેમ જેમ પુરુષની ઉંમર વધતી જાય છે, તેમ તેમ આ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવા લાગે છે. સામાન્ય રીતે ત્રીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે આ હોર્મોનમાં અંદાજે એક ટકા જેટલો ઘટાડો નોંધાય છે. આ ઘટાડો એટલો સૂક્ષ્મ હોય છે કે ચાલીસ કે પચાસ વર્ષની ઉંમર સુધી પહોંચતા મોટાભાગના પુરુષોને તેની ખાસ ખબર પડતી નથી, પરંતુ જ્યારે આ ઘટાડો નોંધપાત્ર બને છે, ત્યારે શરીરમાં અનેક માનસિક અને શારીરિક લક્ષણો દેખાવવા લાગે છે, જેને આપણે પુરુષોનું મેનોપોઝ કહી શકીએ.
એન્ડ્રોપોઝનાં લક્ષણો સ્ત્રીઓના મેનોપોઝ જેવા જ તીવ્ર હોઈ શકે છે, પરંતુ તે ધીરે ધીરે પ્રગટ થાય છે. શારીરિક રીતે જોઈએ તો પુરુષોને અકારણ થાક લાગવો, કામ કરવાની શક્તિમાં ઘટાડો થવો, સ્નાયુઓ નબળા પડવા અને શરીરમાં ચરબીનું પ્રમાણ વધવું એ બધાં એનાં મુખ્ય સંકેતો છે. ખાસ કરીને પેટના ભાગે ચરબી વધવી એ ટેસ્ટોસ્ટેરોન ઘટવાનું એક મોટું લક્ષણ માનવામાં આવે છે. આ ઉપરાંત, ઊંઘમાં ખલેલ પડવી અથવા અનિદ્રાની સમસ્યા પણ સર્જાય છે. ઘણા પુરુષને રાત્રે પરસેવો થવો કે અચાનક ગરમી લાગવી (હોટ ફ્લેશ) જેવી સમસ્યાઓ પણ થાય છે, જે સ્ત્રીઓના મેનોપોઝનાં લક્ષણો સાથે સામ્યતા ધરાવે છે.
પ્રજનન સ્વાસ્થ્યની વાત કરીએ તો કામવાસનામાં ઘટાડો થવો કે પ્રજનન ક્ષમતા નબળી પડવી એ પણ આ હોર્મોનલ અસંતુલનનું પરિણામ છે. જોકે, માત્ર શારીરિક પાસું જ નહીં, પણ માનસિક પાસું પણ એટલું જ મહત્ત્વનું છે. એન્ડ્રોપોઝ દરમિયાન પુરુષોમાં ચીડિયાપણું વધે છે, આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે અને નાની નાની વાતોમાં એકાગ્રતા ગુમાવી દે છે. ઘણીવાર આ અવસ્થાને ‘મિડ-લાઈફ ક્રાઈસિસ’ તરીકે પણ જોવામાં આવે છે, જ્યાં વ્યક્તિ પોતાની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ પર શંકા કરવા લાગે છે અને સતત ઉદાસીનતા અનુભવે છે. આ માનસિક ફેરફારો એટલા ગંભીર હોઈ શકે છે કે તે વ્યક્તિના કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન પર નકારાત્મક અસર પાડી શકે છે.
સૌથી મોટો તફાવત એ છે કે સ્ત્રીમાં મેનોપોઝ એ પ્રજનન ક્ષમતાના સંપૂર્ણ વિરામનું પ્રતીક છે, જ્યારે પુરુષોમાં એન્ડ્રોપોઝ પછી પણ પ્રજનન ક્ષમતા સંપૂર્ણપણે નાશ પામતી નથી, તે ફક્ત નબળી પડે છે. સ્ત્રીમાં ઈસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટે છે, જ્યારે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોનનો ઘટાડો ખૂબ જ ધીમો હોવાથી શરીર તેની સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરતું રહે છે. આ પ્રક્રિયામાં જીવનશૈલીનો ફાળો પણ ઘણો મોટો હોય છે. જે પુરુષો વધુ પડતો તણાવ લે છે, પૂરતી ઊંઘ લેતા નથી અથવા જેમને ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારી છે, તેમનામાં ટેસ્ટોસ્ટેરોન ઘટવાની પ્રક્રિયા વધુ ઝડપી બને છે. વધુ પડતું વજન અને આલ્કોહોલનું સેવન પણ હોર્મોનલ સંતુલનને બગાડે છે. ઘણીવાર પુરુષ આ લક્ષણોને વધતી ઉંમરની સામાન્ય અસર માનીને અવગણતા હોય છે. હકીકતમાં આ એક તબીબી સ્થિતિ છે જેનું નિદાન લોહીની તપાસ (બ્લડ ટેસ્ટ) દ્વારા સરળતાથી થઈ શકે છે. જો શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ખૂબ જ ઓછું માલૂમ પડે તો ડોક્ટરો ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી (TRT) જેવી સારવારની સલાહ આપે છે. જોકે, આવી સારવાર લેતા પહેલા તેના ફાયદા અને ગેરફાયદા વિશે ઊંડાણપૂર્વક વિચારવું જરૂરી છે, કારણ કે કૃત્રિમ હોર્મોન્સની આડઅસરો પણ હોઈ શકે છે.
એન્ડ્રોપોઝને સારી રીતે હેન્ડલ કરવા માટે દવાઓ કરતા જીવનશૈલીમાં ફેરફાર વધુ અસરકારક સાબિત થાય છે. નિયમિત વ્યાયામ, ખાસ કરીને વેઈટ ટ્રેનિંગ અને યોગ, શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. આહારમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન્સનો સમાવેશ કરવો જોઈએ. ઝિંક અને વિટામિન-ડી પુરુષોના હોર્મોનલ સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને પ્રાણાયામ ઉત્તમ પરિણામ આપે છે.
આ તબક્કે સામાજિક સહકાર અને પરિવારનો સાથ પણ અનિવાર્ય છે. પુરુષોએ પોતાની લાગણીઓ અને શારીરિક તકલીફો વિશે ખુલીને વાત કરવી જોઈએ. આપણે ત્યાં પુરુષોને હંમેશાં મજબૂત અને લાગણીવિહીન દેખાવાની સામાજિક ફરજ પાડવામાં આવે છે, જેના કારણે તે આવી આંતરિક તકલીફો કોઈને કહી શકતા નથી અને અંદરથી તૂટતા જાય છે.
આ રીતે મેનોપોઝ કે એન્ડ્રોપોઝ એ કોઈ બીમારી નથી, પરંતુ જીવનનો એક અનિવાર્ય કુદરતી પડાવ છે. તેને હકારાત્મક રીતે સ્વીકારીને અને યોગ્ય તબીબી માર્ગદર્શન મેળવીને વ્યક્તિ પોતાની બીજી ઈનિંગને પણ એટલી જ જોમ અને ઉત્સાહ સાથે જીવી શકે છે. આ વિષય પર જાગૃતિ લાવવી જરૂરી છે, જેથી પુરુષ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બને અને વધતી ઉંમરના પડકારોને આત્મવિશ્વાસ સાથે ઝીલી શકે. અંતે તો શરીર અને મનનું સંતુલન જ જીવનની ગુણવત્તા નક્કી કરે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. આધુનિક વિજ્ઞાન આપણને એ શીખવે છે કે ઉંમર માત્ર એક આંકડો છે જો આપણે આપણા જૈવિક ફેરફારોને સમજીએ અને તેને અનુરૂપ આપણી રહેણીકરણી ગોઠવીએ. એન્ડ્રોપોઝ એ અંત નથી, પણ પોતાની જાતની વધુ કાળજી લેવાની અને નવી રીતે જીવવાની એક તક છે.