મેલ મેટર્સઃ અંકિત દેસાઈ
વિમાન જ્યારે દુર્ઘટનાગ્રસ્ત થાય છે ત્યારે આખી દુનિયા જે એક નાનકડા સાધનની શોધમાં અધીરી બને છે તે છે ‘બ્લેક બોક્સ’. આ બોક્સમાં વિમાનની સૌથી છેલ્લી ક્ષણોની તમામ હકીકતો, પાઈલોટનો સંવાદ અને ટેક્નિકલ ખામીઓનાં રહસ્યો દફન હોય છે. નવાઈની વાત એ છે કે આપણી આસપાસ ફરતા, મજબૂત દેખાતા અને જવાબદારીઓના બોજ નીચે દબાયેલા પુરુષોનું મન પણ કંઈક આવા જ બ્લેક બોક્સ જેવું હોય છે.
આ બ્લેક બોક્સમાં અનેક સંઘર્ષો, રુદન, ડર અને અધૂરી ઈચ્છાઓ સંગ્રહાયેલી હોય છે, જે બહારની દુનિયા માટે હંમેશાં અકબંધ રહે છે. સમાજે પુરુષની જે છબી કંડારી છે, તેમાં ક્યાંય નબળાઈને સ્થાન નથી. ‘પુરુષ ક્યારેય રડે નહીં’ અથવા ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેવી ફિલ્મી અને સામાજિક માન્યતાઓએ પુરુષનાં મન પર એવાં મજબૂત તાળાં મારી દીધાં છે કે તે પોતાની અંદર ચાલતાં વાવાઝોડાં વિશે કોઈને જાણ થવા દેતો નથી.
બાળપણથી જ છોકરાઓને શીખવવામાં આવે છે કે તારે રક્ષક બનવાનું છે, તારે કમાવાનું છે અને તારે આખા પરિવારનો સ્તંભ બનવાનું છે. આ ‘સ્તંભ’ બનવાની પ્રક્રિયામાં તે ક્યારે પથ્થર જેવો જડ બની જાય છે તેની તેને ખુદને પણ ખબર નથી રહેતી. પુરુષ જ્યારે ઓફિસેથી થાકીને ઘરે આવે છે, ત્યારે તેના ચહેરા પર છવાયેલો થાક માત્ર કામનો નથી હોતો, પણ એ સતત ચાલી રહેલી સ્પર્ધા અને અસલામતીનો હોય છે.
તેને ડર લાગે છે કે જો તે નિષ્ફળ જશે તો તેની પાછળ નિર્ભર રહેલા લોકોનું શું થશે? આ ‘પ્રોવાઈડર’હોવાનો બોજ તેના મનના બ્લેક બોક્સમાં કેદ રહે છે. તે ક્યારેય પત્નીને એમ નથી કહી શકતો કે આજે ઓફિસમાં મારો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો, કે તે ક્યારેય પિતાને એમ નથી કહી શકતો કે મને આ વ્યવસાયમાં રસ નથી. તે બસ એક મશીનની જેમ ચાલતો રહે છે કારણ કે તેના મૌનને દુનિયા તેની મજબૂતી માની લે છે.
સંબંધોની બાબતમાં પણ પુરુષોનું મન ઘણું રહસ્યમય હોય છે. બે પુરુષ મિત્ર કલાકો સુધી સાથે બેસી શકે છે, રાજકારણ કે ક્રિકેટ પર ચર્ચાઓ કરી શકે છે, પણ ભાગ્યે જ એવું બને કે એક મિત્ર બીજા મિત્રના ખભા પર માથું મૂકીને એમ કહે કે ‘યાર, હું અંદરથી ભાંગી પડ્યો છું. ‘પુરુષોની મિત્રતામાં પણ એક અઘોષિત ‘બ્રો-કોડ’હોય છે, જ્યાં ભાવનાત્મક પ્રદર્શનને નબળાઈ ગણવામાં આવે છે.
આ જ કારણ છે કે પુરુષોમાં એકલતાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં વધુ હોય છે. સ્ત્રી પોતાની પીડા સંવાદ દ્વારા હળવી કરી શકે છે, જ્યારે પુરુષ તે પીડાને મનના બ્લેક બોક્સમાં દાટી દે-ભંડારી દે છે... વર્ષો સુધી જમા થયેલી આ પીડા ક્યારેક ગુસ્સો બનીને બહાર આવે છે તો ક્યારેક બ્લડ પ્રેશર કે હૃદયરોગ જેવા શારીરિક રોગોનાં સ્વરૂપે ફાટી નીકળે છે. દુનિયાને જે ગુસ્સો દેખાય છે, તેની પાછળ વાસ્તવમાં વર્ષોનું દબાયેલું દુ:ખ હોય છે જેને કોઈ શબ્દો મળ્યા નથી હોતા.
મધ્યમ વયે પહોંચતા પુરુષમાં ‘મિડ-લાઈફ ક્રાઈસિસ’ એક ગંભીર સમસ્યા છે, છતાં તેના વિશે કોઈ ખૂલીને વાત કરતું નથી. પિસ્તાલીસની ઉંમરે પહોંચેલો પુરુષ જ્યારે અચાનક શાંત થઈ જાય છે અથવા વધુ પડતો ચિડિયો બની જાય છે, ત્યારે તે ખરેખર તેના અસ્તિત્વના પ્રશ્નો સાથે લડતો હોય છે. તેણે આખી જિંદગી અન્યો માટે જીવવામાં વિતાવી હોય છે અને જ્યારે તે પાછળ વળીને જુએ છે ત્યારે તેને પોતાના અસ્તિત્વનો ખાલીપો દેખાય છે.
તેની આસપાસ લોકોની ભીડ હોય છે, પરિવાર હોય છે, પણ તેની અંદરની વાત સમજનાર કોઈ હોતું નથી. તે પોતે પણ એ વાત વ્યક્ત કરતા અચકાય છે, કારણ કે તેને લાગે છે કે જો તે હવે ભાવુક થશે તો લોકો તેને પાગલ ગણશે અથવા તેની મજાક ઉડાવશે. આ સંઘર્ષ તેના મનના ઊંડાણમાં ચાલતો રહે છે અને બ્લેક બોક્સ વધુ ને વધુ ભારે થતું જાય છે.
આધુનિક યુગમાં સ્ત્રી સશક્તીકરણની વાતો થાય છે જે ખૂબ જરૂરી છે, પણ આ પ્રક્રિયામાં પુરુષો પર વધેલા માનસિક દબાણને સમજવાની પણ એટલી જ જરૂર છે. આજે પુરુષે માત્ર આર્થિક રીતે સક્ષમ નથી રહેવાનું, પણ તેણે ઘરકામમાં મદદ કરવાની છે, આધુનિક પિતા બનવાનું છે અને પત્નીની કરિયરને પણ સપોર્ટ કરવાનો છે.
આ તમામ બદલાતા રોલ મોડેલ્સ વચ્ચે તે ઘણીવાર મૂંઝવણ અનુભવે છે. તેને શીખવવામાં આવ્યું હતું જૂનું મોડેલ, પણ જીવવાનું છે નવું મોડેલ. આ મથામણ તેને અંદરથી કોરી ખાય છે. જ્યારે તેની પત્ની કે પાર્ટનર તેના કરતા વધુ સફળ થાય છે, ત્યારે તેનો અહમ નહીં પણ તેના ઉછેર દરમિયાન અપાયેલી ‘મર્દાનગી’ની ખોટી વ્યાખ્યા તેને પીડા આપે છે. તે ઈચ્છવા છતાં આ સામાજિક બેડીઓ તોડી શકતો નથી અને ફરીથી મૌનની ઢાલ પાછળ આશરો લે છે.
વાસ્તવમાં, પુરુષોના મનનું આ બ્લેક બોક્સ ખોલવા માટે સમાજે અને પરિવારે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું પડશે. આપણે સ્વીકારવું પડશે કે પુરુષને પણ થાક લાગે છે, તેને પણ નિષ્ફળતાનો ડર લાગે છે અને તેને પણ કોઈના ટેકાની જરૂર હોય છે. ‘તારે મજબૂત રહેવું પડશે’ એવી સલાહ આપવાને બદલે ‘તું જેવો છે તેવો અમને મંજૂર છે’ એવો ભરોસો આપવાની જરૂર છે.
પુરુષનું મૌન એ હંમેશા તેની શાંતિ નથી હોતી, ઘણીવાર એ તેની લાચારી હોય છે. જે દિવસે પુરુષ પોતાનું મન ખોલીને રડી શકશે અથવા પોતાની હારનો સ્વીકાર કરી શકશે, તે દિવસે આ બ્લેક બોક્સનો બોજ હળવો થશે. ત્યાં સુધી, તે બહારથી સ્મિત આપતો રહેશે, જવાબદારીઓ ઉપાડતો રહેશે અને પોતાની અંદર એક આખું અજાણ્યું વિશ્વ લઈને ફરતો રહેશે. તે બ્લેક બોક્સ જે વિમાનની જેમ હવામાં ઊડે તો છે, પણ તેની અંદરની સાચી હકીકત માત્ર અંતિમ ક્ષણે જ બહાર આવે છે. જરૂરિયાત એ વાતની છે કે આ રહસ્યો દુર્ઘટના પછી નહીં, પણ જીવતા જીવ સંવાદ દ્વારા ઉકેલાય.
ઈનશોર્ટ, આ આખી વાતનો સાર માત્ર એટલો જ મર્દાનગી એ લાગણીઓને દબાવવામાં નથી, પણ તેને સમજવામાં અને વ્યક્ત કરવામાં છે.
સમાજ તરીકે આપણે પુરુષના મૌનને વાંચતા શીખવું પડશે. તેની આંખોમાં દેખાતા ખાલીપાને પારખવો પડશે. તે જ્યારે એકલો બેસીને આકાશ તરફ જોતો હોય કે રાત્રે મોડે સુધી જાગતો હોય ત્યારે તે કદાચ તેના બ્લેક બોક્સનાં પાનાં ઉથલાવી રહ્યો હોય છે. તેને એવા કાનની જરૂર છે જે ચુકાદો આપ્યા વગર તેને સાંભળે અને એવા હૃદયની જરૂર છે જે તેની નબળાઈમાં પણ તેની મજબૂતી જુએ. જે દિવસે પુરુષનું મન બ્લેક બોક્સ મટીને એક ખુલ્લું પુસ્તક બનશે, તે દિવસે કદાચ સાચા અર્થમાં માનવીય સંબંધોનો સૂર્યોદય થશે. ત્યાં સુધી આ બ્લેક બોક્સ બંધ રહેશે અકબંધ, રહસ્યમય અને ભારેખમ.