Thu Apr 30 2026

Logo

મેલ મેટર્સઃ મેન કેવ’ થી ‘મેન ટોક’ સુધી... આધુનિક પુરુષની એકલતા ને તેનો ઉકેલ

2026-03-19 10:47:00
Author: Ankit Desai
Article Image

 


અંકિત દેસાઈ


આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં દુનિયા મુઠ્ઠીમાં હોવાનો દાવો કરવામાં આવે છે ત્યાં એક વિરોધાભાસી સત્ય એ છે કે માણસ અંદરથી વધુને વધુ એકલો પડી રહ્યો છે તાજેતરમાં ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)’ દ્વારા ‘એકલતા’ને એક વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમ તરીકે જાહેર કરવામાં આવી છે, જેની અસર ધૂમ્રપાન કે સ્થૂળતા જેટલી જ ઘાતક મનાય છે. આ સમસ્યા સ્ત્રી-પુરુષ બંનેમાં જોવા મળે છે, પરંતુ પુરુષોના કિસ્સામાં તે એક ‘સાયલન્ટ એપિડેમિક’ એટલે કે શાંત રોગચાળા જેવી છે. 


સદીઓથી પુરુષત્વની જે વ્યાખ્યાઓ ઘડવામાં આવી છે, તેમાં ‘સહનશક્તિ’ અને ‘મૌન’ને આભૂષણ માનવામાં આવ્યા છે. "પુરુષો રડે નહીં” અથવા "પુરુષોએ મજબૂત દેખાવું જોઈએ” જેવી સામાજિક માન્યતાઓએ આધુનિક પુરુષને એક એવી દીવાલ પાછળ ધકેલી દીધો છે, જ્યાં તેની પાસે સુખ-સુવિધાઓ તો છે, પણ સંવાદનું કોઈ સરનામું નથી. આ સ્થિતિ તેને પોતાની પર્સનલ ‘મેન કેવ’ એટલે કે માનસિક ગુફામાં કેદ કરી દે છે, જ્યાંથી બહાર નીકળવા માટે હવે ‘મેન ટોક’ એટલે કે પારદર્શક સંવાદની અનિવાર્યતા ઊભી થઈ છે.


ઇતિહાસનાં પાનાઓ તપાસીએ તો જણાશે કે પૂર્વજોના સમયમાં પુરુષોના સમૂહજીવનનાં ચોક્કસ માળખાં હતાં. ચોરે બેસીને થતી વાતો હોય, પંચાયતની ચર્ચાઓ હોય કે શિકાર પર સાથે જવું હોય આ બધી પ્રવૃત્તિમાં એક સહજ જોડાણ હતું, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ અને ત્યારબાદ આવેલી ડિજિટલ ક્રાંતિએ પુરુષને વ્યક્તિગત સ્પર્ધામાં ઉતારી દીધો. આજે સફળતાનો માપદંડ કેવળ આર્થિક સદ્ધરતા બની ગયો છે. 


કરિયરની આ આંધળી દોટમાં પુરૂષ ઘણીવાર પોતાની આસપાસના સામાજિક વર્તુળને હોમી દેતા હોય છે. ઓફિસના કેબિનમાં બેઠેલો ઉચ્ચ અધિકારી હોય કે દિવસ-રાત ડિલિવરી માટે દોડતો યુવાન, બંનેમાં એક સામ્ય છે - તેમના ફોનમાં સેંકડો કોન્ટેક્ટ્સ છે પણ જેની સાથે દિલ ખોલીને વાત કરી શકાય તેવા સાચા મિત્રોની સંખ્યા કદાચ શૂન્યની નજીક છે. આ સામાજિક છૂટાછેડા તેને અંદરથી ખોખલો કરી રહ્યા છે.


પુરુષોમાં એકલતા વધવાનું એક મુખ્ય કારણ ‘ઇમોશનલ સપ્રેસન’ એટલે કે ભાવનાઓનું દમન છે. નાનપણથી જ છોકરાઓને શીખવવામાં આવે છે કે લાગણીશીલ બનવું એ નબળાઈની નિશાની છે. આ કેળવણી તેને પુખ્ત વયે પોતાની પીડા કે ચિંતા વ્યક્ત કરતા અટકાવે છે. જ્યારે કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય ત્યારે તે પોતાની સખીઓ સાથે વાત કરીને મન હળવું કરી લે છે, પરંતુ પુરુષ અંદરખાને મુંઝાયા કરે છે. તેને લાગે છે કે જો તે પોતાની નબળાઈ બતાવશે તો તેની ‘પ્રોવાઈડર’ કે ‘પ્રોટેક્ટર’ તરીકેની ઈમેજ ખરડાશે. પરિણામે, તે પોતાની સમસ્યાઓ સાથે એકલો લડે છે.
 

આ એકલતા ધીમે ધીમે એન્ઝાયટી, ડિપ્રેશન અને ઊંઘની બીમારીઓ તરફ દોરી જાય છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે જ્યારે લાગણીઓ શબ્દોમાં બહાર નથી આવતી ત્યારે તે બ્લડ પ્રેશર કે હૃદયરોગના સ્વરૂપમાં શરીરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આધુનિક ટેક્નોલોજીએ આ સમસ્યાને વધુ જટિલ બનાવી છે. 


સોશિયલ મીડિયા પર દેખાતી ’પરફેક્ટ લાઈફ’ના દબાણ હેઠળ જીવતો પુરુષ પોતાની વાસ્તવિક જિંદગીને તેની સાથે સરખાવવા લાગે છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર મિત્રોના વેકેશનના ફોટા જોઈને તેને પોતાની જિંદગી વધુ એકલવાઈ લાગે છે. ડિજિટલ નેટવર્કિંગે ભૌતિક નિકટતા છીનવી લીધી છે. પહેલાના સમયમાં કામના થાક પછી મિત્રો સાથે બેસીને થતી મજાક-મસ્તી એક ‘સ્ટ્રેસ બસ્ટર’ તરીકે કામ કરતી હતી, 


જ્યારે આજે સ્માર્ટફોન પરની ચેટિંગ માત્ર માહિતીની આપ-લે બનીને રહી ગઈ છે. તેમાં ન તો સ્પર્શની ઉષ્મા છે, ન તો આંખોમાં જોઈને અનુભવાતી સંવેદના. આવી એકલતાનો ઉકેલ કોઈ દવામાં નથી, પણ વ્યવહારિક બદલાવમાં છે. હવે સમય પાકી ગયો છે કે પુરુષો પોતાની ‘મેન કેવ’માંથી બહાર આવે અને ‘મેન ટોક’ની શરૂઆત કરે. આનો અર્થ એ નથી કે કલાકો સુધી રડવું, પરંતુ મનની મુંઝવણને કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે શેર કરવાની હિંમત કેળવવી. 


પુરુષોમાં મિત્રતાનું નવું સ્વરૂપ વિકસાવવાની જરૂર છે, જ્યાં વાતચીત માત્ર રમતગમત, પોલિટિક્સ કે બિઝનેસ પૂરતી મર્યાદિત ન હોય, પણ વ્યક્તિગત સંઘર્ષો વિશે પણ હોય. ઘણીવાર માત્ર એટલું કહેવું કે "આજે મારો દિવસ સારો નહોતો રહ્યો ‘એ પણ ભારે માનસિક ભાર હળવો કરી દે છે. આ માટે ખાસ કરીને પિયર ગ્રૂપ (સમાન વયના મિત્રો) ની ભૂમિકા મહત્ત્વની છે. પુરુષોએ જ પુરુષો માટે એવું વાતાવરણ તૈયાર કરવું પડશે, જ્યાં કોઈ બીજાને જજ ન કરે.


સમાજ અને પરિવારે પણ આ દિશામાં સક્રિય થવું પડશે. એક પિતા, પતિ કે પુત્ર તરીકે જ્યારે પુરુષ પોતાની નબળાઈ વ્યક્ત કરે ત્યારે તેને સાંભળવો અને સમજવો જરૂરી છે. તેને એ વાતનો અહેસાસ કરાવવો જોઈએ કે ભાવનાત્મક હોવું એ સ્ત્રીત્વ નથી પણ માનવતા છે. જો આપણે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હોય તો પુરુષોના માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું પડશે. આર્થિક સફળતા જો માનસિક શાંતિ ન આપી શકતી હોય તો તે અધૂરી છે. જીવનની સાંજ જ્યારે પડે છે ત્યારે માણસ પાસે તેની મિલકત નહીં પણ તેણે જાળવેલા સંબંધો જ તેને એકલતાના અંધકારમાંથી બહાર કાઢે છે.


આખરે આ માટે ઉકેલ એ છે કે આપણે સંવાદના જૂના રસ્તાઓ ફરીથી ખોલીએ. વીકએન્ડમાં માત્ર પબ કે મોલમાં જઈને ભીડનો હિસ્સો બનવાને બદલે કોઈ જૂના મિત્રને મળીને તેની સાથે નિખાલસ વાતો કરવી જોઈએ. શોખ કે હોબી ગ્રૂપ્સમાં જોડાવું જોઈએ જ્યાં કામ સિવાયની વાતો થઈ શકે. જ્યારે પુરુષ પોતાની અંદરના સંઘર્ષને શબ્દો આપતા શીખશે, ત્યારે જ તે સાચા અર્થમાં મુક્ત થશે. ‘મેન કેવ’ એ રક્ષણ માટે હોઈ શકે છે, પણ કાયમી વસવાટ માટે નહીં. આધુનિક પુરુષે એ સમજવું પડશે કે બીજાની મદદ માગવી એ હાર નથી, પણ પોતાની જાતને સાચવવાની એક બહાદુરીભરી શરૂઆત છે. મૌનની જે સાંકળ તેને જકડી રાખે છે, તેને તોડવાનો એકમાત્ર રસ્તો સંવાદ છે જે માત્ર જીવનને લાંબુ જ નહીં પણ જીવવા લાયક પણ બનાવે છે.