(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધર્મનો પ્રચાર કરવાની સાથે મલાડની એક શાળામાં પ્રાર્થનાનું આયોજન કરીને ચમત્કારથી બીમારી અને દુ:ખ દૂર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાંતાક્રુઝની જાગૃત મહિલાએ પોતાના દીકરાને કાર્યક્રમમાં મોકલી ધર્મને નામે કથિત અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોવાની ખાતરી કર્યા પછી પોલીસ ફરિયાદ કરાઈ હતી. પોલીસે સાત જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહિલાની ફરિયાદને આધારે મલાડ પોલીસે સોમવારે ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં આરોપી તરીકે રમેશ ગુપ્તા, ઉષા ગુપ્તા, અમન દુબે, મૂકેશ યાદવ સહિત સાત જણનો સમાવેશ હોવાનું કહેવાય છે.પોલીસ ફરિયાદ અનુસાર ઉષા ગુપ્તા સાથે કેટલીક મહિલા શુક્રવારની બપોરે સાંતાક્રુઝમાં રહેતી ફરિયાદીના ઘરે ગઈ હતી. પીવા માટે પાણી માગ્યા પછી તેમણે એક ધર્મનો પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીને થાઈરોઈડ અને બ્લડ પ્રેશરની સમસ્યા હોવાથી તે પ્રાર્થના કરવાથી દૂર થશે, એવો દાવો મહિલાએ કર્યો હતો. આ માટે દર રવિવારે મલાડમાં સામૂહિક પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવતું હોવાનું મહિલાએ કહ્યું હતું.
શંકા જતાં ફરિયાદીએ તેના દીકરાને રવિવારે મલાડ મોકલ્યો હતો. મલાડ પશ્ર્ચિમની એક શાળાના હૉલમાં પ્રાર્થના માટે બધા ભેગા થયા હતા. કાર્યક્રમ દરમિયાન રમેશ ગુપ્તા બધાના માથા પર હાથ મૂકતો હતો અને વિવિધ બીમારી ભગાડવાનો દાવો કરતો હતો. એ સિવાય ચમત્કારથી દુ:ખોનું નિવારણ કરી શકતો હોવાનું આરોપી કહેતો હતો. આ બધો પ્રચાર કરવામાં અન્ય આરોપીઓ મદદ કરતા હતા.
કહેવાય છે કે ફરિયાદીના દીકરાએ ગુપ્તાના આ દાવાઓનું વીડિયો રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને રેકોર્ડિંગ કરતાં રોકવામાં આવ્યો હતો. તેણે બાદમાં પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
AI Generated Images