Thu May 28 2026

Logo

મલાડના દેરાસરમાં ભારે ગરમાગરમી પછી  જૈન સાધુને પરાણે સંસારમાં રવાના કરાયા

2026-05-27 09:35:35
Author: Mayur Patel
Article Image

મુનિ નમ્રવલ્લભ વિરુદ્ધ ગંભીર આક્ષેપોથી જૈન શ્રાવકો વીફર્યા: બીમારીની સારવાર માટે આ પગલું લેવાયાનું કારણ આપી વિવાદ દબાવવાનો પ્રયાસ

બિમલ મહેશ્વરી

મુંબઈ: મલાડના દેરાસરમાં બિરાજમાન જૈન મુનિ નમ્રવલ્લભ સામે છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ગંભીર આક્ષેપો પછી શનિવારે તેમને પરાણે સંસારમાં જવાની ફરજ પડાઈ હતી. જોકે મુનિ બીમાર હોવાથી તેમને હંગામી ધોરણે સંસારમાં પાછા ફરવાનું કહીને હાલપૂરતો આખા વિવાદને શમાવી દેવાનો આ પ્રયાસ હોવાનું લાગે છે. આનું કારણ એટલું જ કે તેમને સંસારમાં પાછા ફરવાનો આદેશ ગચ્છાધિપતિએ નથી આપ્યો અને જે પત્ર દ્વારા તેમના ગુરુએ મુનિને સંસારમાં પાછા ફરવાનું કહ્યું છે એમાં કારણ બીમારીની સારવારનું આપવામાં આવ્યું છે. આક્ષેપો બાદ શનિવારે વીફરેલા શ્રાવકો મોટી સંખ્યામાં દેરાસરમાં ભેગા થયા હતા, જેને પગલે લગભગ ત્રણ કલાક સુધી સંઘમાં ગરમાગરમી ચાલી હતી.

મલાડ પૂર્વમાં આવેલા દેવકરણ જગવલ્લભ પાર્શ્ર્વનાથ સંઘમાં શનિવારે આ ઘટના બની હતી. અમદાવાદ, સુરત, નાશિક અને મુંબઈના અનેક જૈન શ્રાવકો દેરાસર પહોંચ્યા હતા. ગંભીર આક્ષેપોને પગલે મુનિ નમ્રવલ્લભને ફરી સંસારમાં રવાના કરવાની માગણીએ જોર પકડ્યું હતું, જેને લઈ સંઘમાં ભારે ધમાલ થઈ હતી, એવું જાણવા મળ્યું હતું.

આ ધમાલ વખતે હાજર મુનિ નમ્રવલ્લભના ગુરુ આચાર્ય દર્શનવલ્લભે મધ્યસ્થીનો પ્રયત્ન કર્યો હતો અને એક તબક્કે તે આક્રમક થઈ ગયા હતા. એક શ્રાવક પર તો તે ગુસ્સે પણ ભરાયા હોવાનું કહેવાય છે. એ વખતે આચાર્ય દર્શનવલ્લભ ઉપરાંત, આચાર્ય જગવલ્લભ, મુનિ નમ્રવલ્લભ અને મુનિ ચારિત્ર્યવલ્લભ ઉર્ફે હર્ષવલ્લભ પણ હાજર હતા.

ત્રણેક કલાકની માથાકૂટ પછી નમ્રવલ્લભે પોતાનો ઓઘો ગુરુને સુપરત કર્યો હતો. સંસારમાં પાછા જવા નમ્રવલ્લભ રાજી થતાં મામલો શાંત પડ્યો હતો. સાંજે મુનિ નમ્રવલ્લભના પિતા રાકેશ આર. શાહ (પંડિતજી) નાશિકથી મલાડ કારમાં આવ્યા હતા અને દીકરાને લઈ ગયા હતા.

મુનિ નમ્રવલ્લભ સામે છેલ્લા કેટલાક સમયથી આર્થિક વ્યવહારને લગતા તેમ જ મહિલાઓ સંબંધી ગંભીર આક્ષેપો થયા હતા. એ સિવાય બહારનું ભોજન અને કંદમૂળ આરોગવાના પણ આરોપ હતા. પ્રાયશ્ર્ચિત્ત રૂપે તેમને એક વાર અન્ય ગુરુ પાસે રહેવાનું ફરમાન કરાયું હતું, પણ ત્યાંથી એકાદ સપ્તાહમાં જ તે પાછા પોતાના ગુરુ દર્શનવલ્લભ પાસે આવી ગયા હતા, એવી માહિતી મળી રહી છે.

કહેવાય છે કે મુનિ નમ્રવલ્લભને ફરી એક વાર બીજા ગુરુ પાસે મોકલવામાં આવ્યા હતા. જોકે ત્યાં પણ તેમણે વધુ સમય ગાળ્યો નહોતો અને અમુક દિવસમાં જ પાછા આવી ગયા હતા. અગાઉ અમદાવાદ, નડિયાદ, વાંસદા, નાગપુર સહિત અનેક ઠેકાણે તેમની સામે આક્ષેપો થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષના નવેમ્બરમાં ગચ્છાધિપતિ રાજેન્દ્રસૂરિને પણ નમ્રવલ્લભ સામેના ગંભીર આરોપોની વિગતોથી વાકેફ કરાયા હતા.

જોકે આ વિવાદને દબાવવા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો છે. આ પત્ર મુનિ નમ્રવલ્લભના પિતાને લખવામાં આવ્યો છે. પત્રમાં ઉલ્લેખ છે કે નમ્રવલ્લભ છેલ્લાં બે વર્ષથી ભગંદરથી પીડાતા હોવાથી આ સમસ્યા ઉત્તરોત્તર વધી રહી છે. સંયમ જીવનની મર્યાદાને કારણે કદાચ કોઈ ઉપચારમાં બાધા રહેતી હોય તો ઇલાજ માટે તેમને સંસારમાં પાછા મોકલવામાં આવી રહ્યાની જાણ પત્રમાં કરાઈ છે. 
આ પત્રમાં નમ્રવલ્લભ સામેના આક્ષેપોનો કોઈ ઉલ્લેખ નથી. પત્રમાં તેમના ગુરુ દર્શનવલ્લભના પણ હસ્તાક્ષર છે. વળી, પત્રમાં છેલ્લે એવું પણ જણાવાયું છે કે બીમારીમાંથી સાજા થયા પછી ભવિષ્યમાં તે ફરી સંયમ જીવન પ્રાપ્ત કરી શકે એવી કામના.

સૂત્રોના જણાવ્યા અનુસાર વાસ્તવમાં મુનિને ભંગદરની કોઈ સમસ્યા નથી. આખી ઘટનાને દબાવી દેવાનું આ એક બહાનું છે.
આવા આક્ષેપોની ફરિયાદ પ્રવર સમિતિ પાસે થતી હોય છે. આ સમિતિના આચાર્ય વિજય અભયદેવસૂરિજીનો ફોન પર સંપર્ક કરવામાં આવતાં તેમના સંઘાડાના સાધુ મોક્ષ મહારાજે કૉલ રિસીવ કર્યો હતો. ગુરુદેવ હાલ ઉપલબ્ધ ન હોવાનું કહીને તેમણે જણાવ્યું હતું કે કોઈ સાધુને સંસારમાં મોકલવો કે કેમ એ વિશેનો નિર્ણય તેમના સમુદાયના ગચ્છાધિપતિએ જ લેવાનો હોય.

નમ્રવલ્લભ ભૂવનભાનુસૂરિ સમુદાયના મુનિ હતા. આ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસૂરિ મહારાજે સેવક મારફત ફોન પર વાત કરી હતી, પરંતુ નમ્રવલ્લભ મુનિની ઘટના વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમના તરફથી મેસેજનો પણ કોઈ ઉત્તર મળ્યો નહોતો. નમ્રવલ્લભના ગુરુ આચાર્ય દર્શનવલ્લભ મહારાજ તરફથી પણ મેસેજનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.