Tue Aug 25 2026

Logo

મહારાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ પાછી ખેંચાઈ: સરકારે આપ્યું આશ્ર્વાસન

2026-03-05 20:37:57
Author: Sapna Desai
મહારાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ પાછી ખેંચાઈ: સરકારે આપ્યું આશ્ર્વાસન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
 રાજ્યમાં હાલ સ્કૂલ, કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધને કારણે આયાત-નિકાસને અસર થઈ છે એવા સમયે રાજ્યસ્તરે ટ્રાન્સપોર્ટરો ગુરુવાર મધરાતથી બેમુદત હડતાલ પર ઉતરી જવાના હતા. જોકે સરકારના આશ્ર્વાસન બાદ તાત્પૂરતી હડતાલ ટળી ગઈ છે.

અન્યાયકારક ઈ-ચલણ રદ કરવા બાબતે રાજ્ય સરકારે સકારાત્મક ભૂમિકા લેવાનું  તેમ જ ટ્રાન્સપોર્ટરોની વિવિધ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બહુ જલદી પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની સંયુક્ત બેઠક લેવાનું લેખિત આશ્ર્વાસન આપતા મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ  એક્શન કમિટીએ ગુરુવાર મધરાતથી બેમુદત હડતાળ પર જવાનો નિર્ણય તાત્પૂરતો પાછો ખેંચ્યો હતો.

મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ  એક્શન કમિટી સાથે સંકળાયેલા સ્કૂલ બસ ઓનર અસોસિયેશનના નેતા અનિલ ગર્ગએ કહ્યું હતું કે રાજ્યના પરિવહન પ્રધાનની વિનંતીને માન આપીને અઠવાડિયા માટે તેમની હડતાલને મોકુફ રાખી છે. એટલે ગુરુવાર રાતથી હડતાલ પર જવાનો નિર્ણય હાલ પૂરતો માંડી વાળ્યો છે..

ખાનગી બસના અસોસિયેશનના નેતા હર્ષ કોટકે કહ્યું હતું કે  પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ઈ-ચલાન અને અન્ય મુદ્દે લેખિતમાં આશ્ર્વાસન આપવાની સાથે જ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની સાથે વિડિયો કોલ પર ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. આવતા અઠવાડિયે કદાચ મિટીંગ થશે એ બાદ ભવિષ્યમાં હડતાલ કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે.

ગુરુવાર મધરાતથી ટ્રાન્સપોર્ટરો રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરી જવાના હતા, જો કે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ  એક્શન કમિટીને પત્ર લખીને જણાવ્યું હતું કે પ્રશાસન હાલ બજેટ સેશન્સમાં વ્યસ્ત છે. છતાં ટ્રાન્સપોર્ટરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રશાસન સકારાત્મક વલણ ધરાવે છે. હાલ સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી છે એવા સમયે ખાનગી બસચાલકો હડતાલ પર ઉતરી જાય તો વિદ્યાર્થીઓને તકલીફ થઈ શકે છે.

તેમ જ ઈરાન અને ઈઝરાયેલ તથા અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આયાત-નિકાસને ફટકો પડયો છે તેમાં જો રાજ્યમાં ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઊતરી જશે તો નાગરિકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે.