Fri Sep 04 2026

Logo

મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: NCPએ પાર્થ પવારને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા, જાણો નવા સમીકરણો

2026-02-24 19:34:30
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: NCPએ પાર્થ પવારને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા, જાણો નવા સમીકરણો

સુનેત્રા પવારની જગ્યાએ પાર્થ પવાર રાજ્યસભામાં જશે

મુંબઈઃ મહારાષ્ટ્રની સાત રાજ્યસભા બેઠક માટે થનાર ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. શાસક મહાયુતિનાં સાથી પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ એક મહત્વપૂર્ણ રાજકીય પગલામાં 16 માર્ચ, 2026ના યોજાનારી આગામી રાજ્યસભાની ચૂંટણી માટે પાર્થ પવારને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 

મુંબઈમાં પ્રફુલ્લ પટેલના નિવાસસ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠક દરમિયાન આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં સુનેત્રા પવાર અને પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે હાજર રહ્યા હતા.

વધુમાં, પાર્ટી રાષ્ટ્રીય કારોબારીની બેઠકની તૈયારી કરી રહી છે . 26 ફેબ્રુઆરીએ યોજાનારી આ બેઠકમાં સુનેત્રા પવારને ઔપચારિક રીતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ બેઠક વરલી ડોમમાં યોજાય એવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની સાત ખાલી બેઠકો સાથે, ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) નું બનેલું શાસક મહાયુતિ ગઠબંધન વર્તમાન વિધાનસભા સંખ્યાના આધારે છ બેઠકો મેળવી શકે છે.  

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ તેના ઉમેદવારની પસંદગી માટે પ્રક્રિયા શરુ કરી છે. આ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી આ વખતે રાજ્યસભાની ચાર સીટો માટે ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે, જેમાં રામદાસ આઠવલેનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. જયારે વિનોદ તાવડે, વિજયા રહાટકર અને ધૈર્યશીલ પાટિલના નામો ચર્ચામાં છે.

મહારાષ્ટમાં આ વખતે રાજ્યસભાની 7 બેઠક ખાલી છે અને 286 વિધાયકોના આધારે એક ઉમેદવારને જીતવા માટે 37 વોટોની જરૂર પડશે. આંકડા પ્રમાણે,શાસક મહાયુતિ પાસે સ્પષ્ટ બહુમતી છે. 

એકલા ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પાસે કુલ 132 વિધાયકનું સમર્થન છે, જેથી તેના  ત્રણથી 4 સાંસદ ચૂંટાઈ શકે છે.  જયારે શિવસેના (શિંદે જૂથ) પાસે 58 વિધાયકોનું સમર્થન છે જેના આધારે તે એક બેઠક મેળવી શકે છે. જયારે એનસીપી (અજિત પવાર જૂથ) પણ એક બેઠક મેળવી શકે છે તેમની પાસે 40 વિધાયક છે.