Fri Aug 28 2026

Logo

પીએમ મોદીની કરકસરની અપીલ અંગે મહારાષ્ટ્ર વિપક્ષના આકરા પ્રહાર: સરકારની 'નીતિગત નિષ્ફળતા' ગણાવી

2026-05-11 18:04:06
Author: Mumbai Samachar Team
પીએમ મોદીની કરકસરની અપીલ અંગે મહારાષ્ટ્ર વિપક્ષના આકરા પ્રહાર: સરકારની 'નીતિગત નિષ્ફળતા' ગણાવી

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિપક્ષે આજે પશ્ચિમ એશિયાની સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર કરકસર માટેની અપીલની ટીકા કરી તેને નીતિગત નિષ્ફળતા ગણાવી સરકાર પર અર્થતંત્રને નબળું પાડવાનો આરોપ મૂક્યો હતો.

કરકસરનાં પગલાં સૂચવવા પડે એ ચૂંટણી-કેન્દ્રિત શાસનનું પરિણામ છે એવો આરોપ  શિવસેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કર્યો હતો. બીજી તરફ એનસીપી (એસપી)એ કહ્યું કે  જનતાને વપરાશ અને મુસાફરી ઘટાડવાનું કહેતા પહેલા ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ સચોટ ઉદાહરણ બેસાડવું જોઈએ.

પીએમ મોદીએ રવિવારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના વાતાવરણમાં અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ, સોનાની ખરીદી મુલતવી રાખવા અને વિદેશ યાત્રા સહિત અન્ય પગલાં લેવા હાકલ કરી હતી. વડાપ્રધાનની અપીલની વિપક્ષ તરફથી આકરી ટીકા થઈ છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળએ આરોપ કર્યો છે કે વડા પ્રધાન કાર્યક્રમો, ફોટોશૂટ અને પ્રચાર રેલીઓમાં વ્યસ્ત છે જ્યારે સામાન્ય નાગરિકો મુશ્કેલીઓનો બોજ સહન કરી રહ્યા છે. 

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ'  પરની એક પોસ્ટમાં તેમણે દાવો કર્યો હતો કે દેશ ઇંધણ અને એલપીજીની અછતનો સામનો કરી રહ્યો છે અને ફુગાવાથી સામાન્ય લોકો બેહાલ થઈ ગયા છે.  દેશને એક દૂરંદેશી નેતાની જરૂર છે, પરંતુ એક ઈવેન્ટ મેનેજર સત્તા પર બિરાજમાન છે.'

મહારાષ્ટ્ર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અતુલ લોંઢેએ પીએમ મોદી પર બેવડા ધોરણોનો આરોપ મૂકી જણાવ્યું હતું કે 'લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, કાર પૂલિંગ અને મેટ્રો સેવાઓનો ઉપયોગ કરવા કહેવામાં આવે છે, જ્યારે તેઓ (પીએમ મોદી) રોડ શો દરમિયાન 100 વાહનોના કાફલા સાથે ફરે છે.'  

તેલંગણા ભાજપ દ્વારા હૈદરાબાદમાં આયોજિત રેલીમાં પીએમ મોદીએ રવિવારે પશ્ચિમ એશિયામાં કટોકટી વચ્ચે વિદેશી હૂંડિયામણ બચાવવા માટે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, શહેરોમાં મેટ્રો રેલ સેવાઓનો ઉપયોગ કરવા, કારપૂલિંગ કરવા, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા, પાર્સલ પરિવહન માટે રેલવે સેવાઓનો ઉપયોગ કરવા અને ઘરેથી કામ કરવાનું સૂચન કર્યું હતું.  
(પીટીઆઈ)