Mon Aug 31 2026

Logo

રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળ્યું: અકોલામાં પારો ૪૪ ડિગ્રી સમગ્ર વિદર્ભ ગરમ ભઠ્ઠીમાં તપ્યું

2026-04-15 08:14:04
Author: સપના દેસાઈ
રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળ્યું: અકોલામાં પારો ૪૪ ડિગ્રી સમગ્ર વિદર્ભ ગરમ ભઠ્ઠીમાં તપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ સહિત સમગ્ર રાજ્યએ મંગળવારે કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. મુંબઈમાં દિવસ દરમ્યાન તાપમાનનો પારો ૩૬ ડિગ્રી નોંધાયો હતો. તો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન વિદર્ભના અકોલામાં ૪૪ ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર વિદર્ભ ગરમીની ભઠ્ઠી શેકાઈ ગયું હતું અને તેના તમામ જિલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીની ઉપર નોંધાયો હતો.મુંબઈમાં મંગળવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૬.૦, લઘુતમ તાપમાન ૨૪.૯ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી અને લઘુતમ ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું
પણ તેની સામે મુંબઈના રામમંદિર વિસ્તારમાં ૩૮.૨ ડિગ્રી, વિક્રોલીમાં ૩૭.૨ ડિગ્રી, વિદ્યાવિહારમાં ૩૬.૨ ડિગ્રી, ચેમ્બુરમાં ૩૫.૮ ડિગ્રી, બાન્દ્રામાં ૩૫.૮ ડિગ્રી, દહિસરમાં ૩૫.૧ ડિગ્રી આટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે બુધવાર અને ગુરુવાર માટે યલો અલર્ટની ચેતવણી આપી છે, તેથી આ બે દિવસ તાપમાનનો પારો હજી ઊંચો નોંધાય એવી શક્યતા છે.આ દરમ્યાન સમગ્ર રાજ્યમાં વિદર્ભમાં આકરો ઉનાળો જણાઈ રહ્યો છે. મંગળવારે અકોલામાં ૪૪ ડિગ્રી જેટલો ઊંચો પારો નોંધાયો હતો, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું. આ બાદ અમરાવતીમાં ૪૩.૮ ડિગ્રી, વર્ધામાં ૪૬.૫ ડિગ્રી, યવતમાળામાં ૪૨.૬ ડિગ્રી, વાશિમમાં ૪૨.૪ ડિગ્રી, નાગપુરમાં ૪૨.૨ ડિગ્રી, ચંદ્રપૂરમાં ૪૨.૨ ડિગ્રી અને ગોંદિયામાં ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  

મરાઠવાડામાં પણ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં ૪૧.૪ ડિગ્રી અને પરભણીમાં ૪૨.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મધ્ય મહારાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લામાં આકરી ગરમી રહી હતી.  સોલાપુરમાં ૪૩.૨ ડિગ્રી, જળગાંવમાં ૪૨.૫,  માલેગાંવમાં ૪૧.૬ ડિગ્રી, સાંગલીમાં ૪૧.૪ ડિગ્રી, પુણેમાં ૩૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં પણ તાપમાનનો પારો ૩૪.૫ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો.