(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ હેઠળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ની માલિકીની ૩,૫૦૦ એકરથી વધુ જમીનના વ્યાવસાયિક વિકાસને મંજૂરી આપી છે, જેમાં લીઝની મુદત ૯૮ વર્ષ સુધી લંબાવી શકાય તેવી જોગવાઈ છે.
આ મિલકતોના કમર્શિયલ ડેવલપમેન્ટ પાછળનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનને લાંબા ગાળા માટે આર્થિક રીતે સક્ષમ બનાવવાનો અને તેની આવકમાં મહત્તમ વધારો કરવાનો છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે એમએસઆરટીસી પાસે રાજ્યભરમાં લગભગ ૮૫૦ સ્થળોએ ૩,૫૦૦ એકરથી વધુ જમીન છે, જેમાંથી મોટાભાગની જમીન પ્રાઈમ વિસ્તારોમાં આવેલી છે. વ્યાવસાયિક, રહેણાંક, ઔદ્યોગિક અને અન્ય હેતુઓ માટે આ મિલકતોના વિકાસથી આર્થિક ભીડનો સામનો કરી રહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે નોંધપાત્ર આવક ઊભી થવાની અપેક્ષા છે.
રાજ્ય સરકારે પીપીપી મોડલ હેઠળ વધારાની જમીનના વિકાસ માટે ૪૯ વર્ષની લીઝ પીરિયડ (જેને વધુ ૪૯ વર્ષ માટે લંબાવી શકાય છે) મંજૂર કર્યો છે, જેનાથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે લાંબા ગાળાની આવકનો સ્રોત ઊભો કરવાનો માર્ગ મોકળો થયો છે. આ પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે પ્રતાપ સરનાઈકના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
પ્રતાપ સરનાઈક પોતે એમએસઆરટીસીના અધ્યક્ષ પણ છે. સરકારી ઠરાવ હેઠળ સ્ટેટ ટ્રાન્સપોર્ટની માલિકીની વિવિધ શ્રેણીની જમીન પર વિકાસ પ્રોજેક્ટ હાથ ધરી શકાય છે. આમાં એમએસઆરટીસી પોતાની માલિકીની મિલકતો, જમીન સંપાદન દ્વારા મેળવેલી જમીન, અગાઉના રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી હસ્તાંતરિત જમીન, લીઝ કરાર હેઠળની જમીન અને ભેટ દસ્તાવેજો (ગિફ્ટ ડીડ) દ્વારા મળેલી જમીનનો સમાવેશ થાય છે.
ખાનગી ડેવલપર્સની પસંદગીમાં પારદર્શિતા સુનિશ્ર્ચિત કરવા માટે દરેક મિલકત માટે અલગ ટેન્ડર બહાર પાડવા ફરજિયાત રહેશે. તૈયારીના અદ્યતન તબક્કામાં રહેલા પ્રોજેક્ટ ‘મહારાષ્ટ્ર પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ પોલિસી, ૨૦૨૬’ હેઠળ અમુક રાહતો માટે પાત્ર બની શકે છે.
દરેક પ્રોજેક્ટ માટેના અંતિમ ટેન્ડર માટે મુખ્યમંત્રી સ્તરે પણ મંજૂરી લેવી આવશ્યક રહેશે. સરકારે સુબોધ કુમાર સમિતિની એ ભલામણ પર પણ વિચારણા કરી છે કે પરંપરાગત લાંબા ગાળાની લીઝ વ્યવસ્થા કરતાં ‘અપફ્રન્ટ પ્રીમિયમ’ (આરંભમાં જ ચૂકવવામાં આવતું પ્રીમિયમ) આધારિત લીઝ મોડેલ કોર્પોરેશન માટે વધુ ફાયદાકારક બની શકે છે. ૯૮ વર્ષની લીઝના સુધારેલા માળખાથી એમએસઆરટીસીને અપફ્રન્ટ પ્રીમિયમની રકમ મેળવવામાં તેમજ તેની જમીન પર વિકસાવવામાં આવતા કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં હિસ્સો મેળવવામાં મદદ મળવાની અપેક્ષા છે, જેનાથી નિયમિત વાર્ષિક આવક ઊભી થશે.