Fri Oct 09 2026

Logo

ગોરેગામ-મુલુંડ લિંકમાં અડચણરૂપ રહેલા ૧૮૦ બાંધકામનો સફાયો

2026-10-09 18:03:27
Author: Sapna Desai
ગોરેગામ-મુલુંડ લિંકમાં અડચણરૂપ રહેલા ૧૮૦ બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગર માટે મહત્ત્વવો ક્નેકટર બની રહેનારા ગોરેગાંવ-મુલુંડ લિંકના બાંધકામમાં અવરોધરૂપ રહેલા ૧૮૦ બાંધકામને શુક્રવારે ‘એસ’ વોર્ડ દ્વારા હટાવવામાં આવ્યા હતા. પાલિકાના ‘એસ’ વોર્ડ દ્વારા આ કાર્યવાહી ખિંડીપાડા સોનાપુર વિસ્તારમાં  કરવામાં આવી હતી. આને કારણે ‘એસ’ ડિવિઝનની હદમાં આવતા  ગોરેગામ-મુલુંડ લિંકના કામમાં અડચણરૂપ રહેલા બાંધકામ દૂર કરવામાં આવતા કામ ઝડપથી થશે. 

ગોરેગામ-મુલુંડ લિંકની લંબાઈ ૧૨.૨૦ કિલોમીટર છે. આ લિંક રોડનું કામ ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવવાનું છે, જેમાં રોડ, અંડરગ્રાઉન્ડ ટનલ, ફ્લાયઓવર વગેરેનો સમાવેશ થાય છે. ‘એસ’ વોર્ડની હદમાં આવતા ખિંડીપાડા સોનાપુર ખાતે લગભગ ૧૮૦ બાંધકામને શુક્રવારે  ડેપ્યુટી કમિશનર (ઝોન-છ) ના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવ્યા છે. આનાથી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડને પહોળો કરવાનું કામ શરૂ કરવાનું શક્ય બનશે.

આ કામગીરીમાં  મહાનગરપાલિકાના ૩૦ થી વધુ ઍન્જિનિયરે, ૧૦૦ કર્મચારીઓ, ચાર પોકલેન પ્લાન્ટ, ચાર જેસીબી પ્લાન્ટ, ૧૦ ડમ્પર વગેરેનો સમાવેશ થાય છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં  ૯૦થી  વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં શુક્રવારની કાર્યવાહી બાદ  રસ્તો સાફ કરવામાં આવ્યો છે. અતિક્રમણ દૂર કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાંધકામનો કાટમાળ દૂર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. કાટમાળ દૂર કર્યા પછી, સમયસર પ્રોજેક્ટના આગળના કામ માટે સ્થળ ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટથી પ્રભાવિત રહેવાસીઓમાંથી ૧૦૮ પાત્ર રહેવાસીઓનું મહાનગરપાલિકા દ્વારા પુનર્વસન કરવામાં આવ્યું છે.