ગાંધીનગર: ગુજરાતના કેવડિયા ખાતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર 'એકતા દિવસ'ની પરેડમાં ભાગ લેવા આવેલા 87 સુરક્ષાકર્મીઓને ડેન્ગ્યુ તાવ અને અન્ય રોગના લીધે છેલ્લા 10 દિવસથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 50 જવાનોને રજા આપવામાં આવી છે. તેમજ એક જવાનનું મૃત્યુ થયું છે. આ જવાનોમાં BSF, CRPF અને ITBP નો સમાવેશ થાય છે.
37 જવાનો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ અંગે મળતી માહિતી મુજબ એકતા પરેડમાં કેવડિયા ખાતે સામેલ જવાનો ડેન્ગ્યુ અને તાવ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. આ સારવાર બાદ તેમાંથી 50 જવાનોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 37 જવાનો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન એક જવાનનું અવસાન થયું છે.
50 જવાનોની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી
દેશભરના વિવિધ રાજ્યોમાંથી સુરક્ષા જવાનો 'એકતા દિવસ'ની પરેડમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના જણાવ્યા અનુસાર, ઓડિશા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના BSF, CRPF અને ITBPના જવાનો તાવ અને અન્ય શારીરિક તકલીફોને કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં કુલ 87 જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 50 જવાનોની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે બાકીના 37 જવાનોની સારવાર હજુ ચાલુ છે.