હોટેલ્સ, રેસ્ટોરા અને ક્લાઉડ કિચનમાં આર્ટિફિશિયલ પનીરના ઉપયોગ પર રોક, નિયમના ભંગ બદલ થશે કડક કાર્યવાહી
મુંબઈઃ ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા અને જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 'એનાલોગ પનીર'ના ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે સત્તાવાર રીતે પૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય 30 જુલાઈ 2026ના મહારાષ્ટ્રના એફડીએ કમિશનર તુકારામ મુંઢે દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો
વનસ્પતિ તેલ અને અન્ય આર્ટિફિશિયલ ઘટકોમાંથી બનાવાય
એનાલોગ પનીર એક આર્ટિફિશિયલ ડેરી સબ્સ્ટિટ્યૂટ છે તેને વનસ્પતિ તેલ અને અન્ય આર્ટિફિશિયલ ઘટકોમાંથી બનાવવામાં આવે છે. દેખાવ અને સ્વાદમાં તે બિલકુલ અસલી દૂધના પનીર જેવું લાગે છે પરંતુ તેની કિંમત ઘણી ઓછી હોય છે.
મોટા પાયે ગ્રાહકો સાથે છેતરપિંડી
ગ્રાહકોને અંધારામાં રાખીને આ એનાલોગ પનીરનું વેચાણ થતું હતું. હાલના નિયમો અનુસાર જો કોઈ હોટેલ રેસ્ટોરાં કેટરર્સ અથવા ક્લાઉડ કિચન એનાલોગ પનીરનો ઉપયોગ કરે તો તેની જાણકારી ગ્રાહકોને આપવાનું ફરજિયાત હતું, પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર રાજ્યમાં મોટા પાયે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હતી. માત્ર નાની રેસ્ટોરા અને ક્લાઉડ કિચન જ નહીં, મોટી બ્રાન્ડ્સ પણ ગ્રાહકોને જાણ કર્યા વિના મોંઘા અસલી પનીરની જગ્યાએ સસ્તું એનાલોગ પનીર વાપરી રહ્યા હતા.
પ્રતિબંધના આદેશમાં ગંભીર ચિંતાઓનો ઉલ્લેખ
તાજેતરમાં આવેલા એક લેબ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે રાજ્યમાંથી લેવાયેલા પનીરના 35 ટકાથી વધુ સેમ્પલ ફેલ થયા હતા તેનું કારણ તેમાં વનસ્પતિ તેલની ભેળસેળ હતી. નવા આદેશ મુજબ હવે મહારાષ્ટ્રમાં આવેલી કોઈપણ હોટેલ, રેસ્ટોરા, કેટરિંગ સર્વિસ કે ક્લાઉડ કિચન એનાલોગ પનીરનો ઉપયોગ કરી શકશે નહીં. આ બેનના આદેશમાં જાહેર આરોગ્ય સાથે જોડાયેલી ગંભીર ચિંતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એફડીએએ ચેતવણી આપી છે કે પ્રતિબંધનો ભંગ કરનારા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને લાઇસન્સ રદ કરવા સુધીના પગલા સામેલ હોઈ શકે છે
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દરરોજ લાખો લોકો બહારનું ફૂડ ખાય છે, ત્યારે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે આ નિર્ણયને મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. આનાથી વર્ષોથી લોકો સાથે પનીરના નામે થતી જાહેરમાં થનારી છેતરપિંડી પર પૂર્ણવિરામ મૂકાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે.