Fri Jun 12 2026

Logo

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને આંચકા બાદ પણ રાજયસભામાં ભાજપની બેઠકો નહિ વધે, જાણો ગણિત

2026-06-11 22:34:09
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દેશમાં રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણી પંચે મોટાભાગની બેઠકો પર બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા. જેમાં 10 રાજ્યોની 24 બેઠકોમાંથી 21 બેઠકો માટે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ઝારખંડમાં  બે અને મિઝોરમમાં એક બેઠક માટે 18 જૂને મતદાન થશે. જોકે, આ દરમિયાન મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને આંચકા બાદ પણ રાજયસભામાં ભાજપની બેઠકો નહિ વધે. 

24 બેઠકોમાંથી 21 બેઠકોના પરિણામો જાહેર 

જેમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહેલી 24 બેઠકોમાંથી 21 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. આમાંથી, ભાજપે 12 બેઠકો, કોંગ્રેસે ચાર અને ટીડીપીને ત્રણ બેઠકો મળી છે. જ્યારે એનપીપી અને જનસેનાએ એક-એક બેઠક બિનહરીફ જીતી છે. ઝારખંડમાં બે બેઠકો માટે કોંગ્રેસ, જેએમએમ અને એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે. મિઝોરમમાં એક બેઠક માટે એમએનએફ અને ઝેડપીએમ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. જ્યારે  ઓડિશા, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

એનડીએ 18 બેઠક મળી શકે છે 

રાજય સભાનું ગણિત સમજીએ તો એનડીએ  પાસે 24 માંથી 16 બેઠકો હતી. આ વખતે આ આંકડો વધીને 18 થઈ શકે છે. જ્યારે  ભાજપને એક બેઠકનું ચોખ્ખું નુકસાન થઈ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં લડવામાં આવેલી 24 બેઠકોમાંથી ભાજપ પાસે અગાઉ 13 બેઠકો હતી. જ્યારે મતદાન પછી પાર્ટીના વિજેતા ઉમેદવારોની સંખ્યા ઘટીને 12 થઈ જશે. જ્યારે ભાજપને ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક-એક બેઠક મળી. તો  કર્ણાટકમાં બે અને ઝારખંડમાં એક બેઠક ગુમાવી છે. 

ભાજપના કુલ સભ્યોની સંખ્યા 113  

આ ચૂંટણીઓ બાદ રાજ્યસભામાં ભાજપના કુલ સભ્યોની સંખ્યા 113 થી ઘટીને 112 થાત. જોકે ઓડિશા પેટાચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો. આ બેઠક અગાઉ બીજેડી પાસે હતી અને બીજેડીનાં દેવાશીષ સામંતરાયના રાજીનામા બાદ ખાલી પડી હતી. હવે સામંતરાય ભાજપની ટિકિટ પર બિનહરીફ બેઠક જીતવામાં સફળ થયા છે. પરિણામે ભાજપની બેઠકોની સંખ્યા 113 રહેશે.

કોંગ્રેસને એક વધુ બેઠક મળવાની શક્યતા 

જ્યારે અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોના આધારે  કોંગ્રેસને એક વધુ બેઠક મળવાની શક્યતા છે. જો પાર્ટી ઝારખંડમાં પોતાના અને તેના સાથી પક્ષોના ધારાસભ્યોને એક રાખવામાં સફળ રહે છે,તો આ વધારો બે બેઠકો સુધી વધી શકે છે. કુલ 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. કોંગ્રેસના ચાર ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. ઝારખંડમાં ચૂંટણી હજુ થવાની બાકી છે. જો કોંગ્રેસના ઉમેદવાર ત્યાં જીતે છે, તો પાર્ટીની સંખ્યા પાંચ થઈ જશે.

રાજ્યસભા કોંગ્રેસની બેઠક 31 થવાની શક્યતા 

આ  દરમિયાન, તમિલનાડુમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના એક ઉમેદવારે બિનહરીફ જીત મેળવી છે. પરિણામે રાજ્યસભામાં કોંગ્રેસ પાસે હાલમાં 29 સભ્યો છે. જો પાર્ટી ઝારખંડમાં જીતે છે તો આ સંખ્યા 31 થઈ જશે. ઝારખંડમાં જીત્યા વિના પણ તે હજુ પણ એક બેઠકનો ચોખ્ખો ફાયદો મેળવશે.