લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં 22 જૂનના રોજ એક એનિમેશન કોચિંગ સેન્ટરમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડ મામલે તંત્ર દ્વારા તબાહતોડ એક્શન લેવામાં આવી રહ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના પગલે હવે પ્રશાસન લાલઘુમ બન્યું છે. એક તરફ લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો બીજી તરફ બિલ્ડિંગના માલિક વિરેન્દ્ર શુક્લા સહિત ચાર આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.
બીમારીનું બહાનું ન ચાલ્યું, કોર્ટે જેલમાં મોકલ્યા
પોલીસે બિલ્ડિંગના મુખ્ય માલિક વિરેન્દ્ર શુક્લાની ધરપકડ કર્યા બાદ મંગળવારે મોડી રાત્રે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ધરપકડ અને જેલથી બચવા માટે આરોપી વિરેન્દ્ર શુક્લાએ છાતીમાં દુખાવો અને હૃદયની બીમારીનું બહાનું બનાવ્યું હતું. જો કે, ડોક્ટરોની કડક તપાસમાં તે સંપૂર્ણપણે ફિટ સાબિત થયો હતો, ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
વિરેન્દ્ર શુક્લા ઉપરાંત પોલીસ અને તપાસ એજન્સીઓએ અન્ય 3 લોકોની પણ પૂછપરછ બાદ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે જેમાં એનિમેશન અને ગેમિંગ ઝોન સંચાલક તુશાંક કૃષ્ણ જયસ્વાલ, પેટ શોપ અને ક્લિનિક સંચાલક રામકૃષ્ણ ઉપાધ્યાય અને ઇમારતમાં નેટવર્કિંગનું કામ કરનાર સુરેશ કુમારને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યાં અને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.
લખનૌના અલીગંજમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. એનિમેશન સેન્ટરમાં લાગેલી આ આગના સીસીટીવી અને બાદના દ્રશ્યો જુઓ. વધુ અપડેટ્સ માટે વીડિયો જુઓ #Lucknow #FireAccident #BreakingNews #UttarPradesh #Aliganj #Tragedy #RescueOperation #LatestNews pic.twitter.com/yberj1RAtb
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 23, 2026
રેસિડેન્શિયલ મંજૂરી પર ધમધમતું હતું કોમર્શિયલ માર્કેટ
તપાસકર્તાઓની પ્રાથમિક તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, જે ચાર માળની બિલ્ડિંગમાં આ દુર્ઘટના ઘટી, તેને માત્ર રહેણાંક ઉપયોગ માટેની મંજૂરી મળી હતી. પરંતુ નિયમોને નેવે મૂકીને બિલ્ડિંગમાં કોચિંગ સેન્ટર, એનિમેશન સ્ટુડિયો, લાઇબ્રેરી અને પેટ ક્લિનિક જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. LDA ના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે બિલ્ડિંગનો નકશો માત્ર રહેણાંક હેતુ માટે પાસ થયો હતો. તો પછી પ્રશ્ન એ છે કે, તંત્રના ધ્યાને પહેલા કેમ કોઈ વાત આવી નહી? હવે જ્યારે આગ લાગી અને અનેક લોકોના મોત થયાં ત્યારે તંત્રને ભાન થયું છે!
બિલ્ડિંગ તોડી પાડવા LDAની નોટિસ
લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA) ના એન્ફોર્સમેન્ટ ઝોન-4ની ટીમે બિલ્ડિંગના માલિકો વિરેન્દ્ર શુક્લા અને સુરેન્દ્ર શુક્લા સહિતના આરોપીઓને નોટિસ ફટકારી દીધી છે. તપાસમાં બહાર આવેલી ગંભીર ખામીઓની વાત કરવામાં આવે તો, રહેણાંક નકશાની વિરુદ્ધ જઈને ગેરકાયદેસર રીતે અનેક કમર્શિયલ બાંધકામો કરવામાં, કટોકટીના સમયે બહાર નીકળવા માટે કોઈ ઈમરજન્સી એક્ઝિટ (વૈકલ્પિક દ્વાર) નહોતો, આખી બિલ્ડિંગમાં આવવા-જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો અને બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે ધુમાડો બહાર નીકળી શકે તેવી કોઈ વિન્ડો કે વેન્ટિલેશન સિસ્ટમ નહોતી, જેના કારણે ગૂંગળામણથી મોત થયા હોવાની આશંકા છે. આ માટે તંત્ર દ્વારા આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Lucknow Fire Tragedy | લખનૌ અગ્નિકાંડ: અલીગંજના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ | Mumbai Samachar #lucknowfire #aliganj #lucknownews #uttarpradesh #fireaccident #gamingzone #PrayForLucknow #BreakingNews pic.twitter.com/h95X1elPiW
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 22, 2026
વધારે વિગતે વાત કરવામાં આવે તો, નિયમોનું સરેઆમ ઉલ્લંઘન અને ફાયર સેફ્ટીના ન્યૂનતમ ધોરણો પણ ન હોવાને કારણે, LDA એ હવે આ ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવા માટેની અંતિમ નોટિસ જાહેર કરી દીધી છે અને ટૂંક સમયમાં જ બુલડોઝર એક્શન જોવા મળી શકે છે.