Sun Sep 06 2026

Logo

યુદ્ધની અસરઃ એલપીજીની અછતને કારણે વિદ્યાર્થીઓની મેસ-કેન્ટીનને અસર, ફૂડ ઈન્ડસ્ટ્રી સંકટમાં

2026-03-14 17:17:00
Author: Pooja Shah
યુદ્ધની અસરઃ એલપીજીની અછતને કારણે વિદ્યાર્થીઓની મેસ-કેન્ટીનને અસર, ફૂડ ઈન્ડસ્ટ્રી સંકટમાં

 

અમદાવાદઃ પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર દિવસે દિવસે ઘેરી બનતી જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નો છતાં કમર્શિયલ એલપીજીની તંગી જનજીવન પર વ્યાપક અસર કરી રહી છે. 
રેસ્ટોરાં સહિતના ફૂડસ્ટોલ્સ સાથે કૉલેજોમાં કે યુનિવર્સિટીમાં ચાલતી મેસમાં પણ અસર વર્તાઈ રહી છે. ઘણી કેન્ટીનમાં મેનૂમાં તો ફેરફાર થયો છે, પરંતુ હવે લિમિટેડ મેનૂ સાથે પણ ભોજન તૈયાર કરવાનું પડકારજનક બની રહ્યું હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે. 

સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં, એલપીજી સિલિન્ડરની વ્યવસ્થા ન થઈ શકવાને કારણે શુક્રવારે હોસ્ટેલ મેસ આંશિક રીતે બંધ કરવામાં આવ્યું હતું. રોજિંદા ભોજન માટે મેસ પર આધાર રાખતા લગભગ 150 થી 300 વિદ્યાર્થીઓ મુસિબતમાં મૂકાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોલેજના અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરનું ભોજન બંધ કરવામાં આવ્યુ છે, પરંતુ સાંજે ભોજન આપવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર દરદીઓ માટેના ખોરાક ને અન્ય સેવાઓ પર અસર પડી નથી. 

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજમાં, વહીવટીતંત્રે વિદ્યાર્થી જૂથો અને કેન્ટીન સંચાલકોને ગેસનો ઉપયોગ ઓછો કરવા અને શક્ય હોય ત્યાં ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સ્ટવ્સ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે. કોલેજ હાલમાં સેંકડો વિદ્યાર્થીઓને સેવા આપતા ઘણા રસોડા ચલાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અછત હોવા છતાં વિદ્યાર્થીઓને અસુવિધાનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખી રહ્યા છીએ. 

જોકે ઘણી હૉસ્ટેલ અને ખાનગી પીજીમાં અસર જોવા મળી રહી છે.  ગુજરાત યુનિવર્સિટીમાં છોકરાઓની હૉસ્ટેલ મેસ બંધ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ઘણી ખાનગી અને જ્ઞાતિસમાજ દ્વારા ચાલતી હૉસ્ટેલો પણ મેનુમાં ફેરફાર કરવાનું અથવા વૈકલ્પિક વ્યવસ્થા તરફ વળવાનું કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.  
પોતાની મેસ અને કેન્ટીન માટે જાણીતી એલડી એન્જિનિયરિંગ કૉલેજમાં ચુલા પર ભોજન રાંધવામાં આવી રહ્યું છે. આ માટે રસોઈ વહેલી બનાવવાનું શરૂ કરવામાં આવતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

હૉસ્ટેલ કે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ કપરી સ્થિતિ છે. તેમણે બહાર મળતા ભોજન પર આધાર રાખવો પડે છે. જ્યારે બીજી બાજુ રસ્તા પરની લારીઓ અને રેસ્ટોરાંને પણ ગેસ ન મળતા તેમણે ભાવ વધારી દીધા છે. 

રાજ્ય સરકારે આ સ્થિતિની નોંધ લેતા સંબંધિત વિભાગોને હોસ્પિટલો, છાત્રાલયો અને આવશ્યક સેવાઓને પ્રાથમિકતા પુરવઠો મળે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.