Fri Jun 19 2026

Logo

લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ: લગ્નના નામે 2 લાખ પડાવી ફરાર મુખ્ય આરોપી મહિલા મહારાષ્ટ્રથી ઝડપાઈ

2026-05-23 17:44:30
Author: Devayat Khatana
Article Image

સાપુતારા: ડાંગ જિલ્લામાં લગ્નની લાલચ આપી નિર્દોષ યુવકોને પોતાની જાળમાં ફસાવતી અને લાખો રૂપિયા પડાવતી કપટી ટોળકી સામે સાપુતારા પોલીસે મોટી સફળતા મેળવી છે. લગ્નના બહાને અમદાવાદના એક યુવક પાસેથી રૂપિયા બે લાખ પડાવીને છેલ્લા છ મહિનાથી નાસતી ફરતી મુખ્ય સૂત્રધાર લૂંટેરી દુલ્હનને સાપુતારા પોલીસે મહારાષ્ટ્રમાંથી દબોચી લીધી છે.

અમદાવાદના યુવકને લગ્નની જાળમાં ફસાવ્યો હતો

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2025માં અમદાવાદથી એક યુવક ડાંગ જિલ્લામાં કન્યાની શોધમાં આવ્યો હતો. આ વાતની ભનક લાગતા જ સક્રિય ઠગ ટોળકીએ યુવકનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ યુવકને એક કન્યા બતાવી લગ્ન નક્કી કર્યા હોવાનો ઢોંગ કર્યો હતો અને લગ્નના ખર્ચના બહાને રૂપિયા બે લાખ રોકડા પડાવી લીધા હતા. રૂપિયા મળ્યા બાદ કન્યા સહિતની આખી ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી.

પીડિત યુવકે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ પીડિત યુવકે સાપુતારા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં અગાઉ બે મહિલાઓ સહિત ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લેવાયા હતા, પરંતુ આ સમગ્ર કૌભાંડની મુખ્ય માસ્ટરમાઇન્ડ મહિલા પોલીસને હાથતાળી આપી રહી હતી. સાપુતારા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી મહિલાનું લોકેશન ટ્રેસ કર્યું હતું.

બાતમીના આધારે આરોપી મહિલા મહારાષ્ટ્રથી ઝડપાઈ

પોલીસને પાકી બાતમી મળી હતી કે મુખ્ય આરોપી મહિલા પોતાનું નામ બદલીને મહારાષ્ટ્રમાં છુપાઈને રહી રહી છે. આ બાતમીના આધારે સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શિરુડ ગામે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી મુખ્ય આરોપી મહિલા પૂજા ઉર્ફે આરતી સુધાકરરાવ સોલંકીને ઝડપી પાડી ડાંગ લાવી અટકાયત કરી છે. સાપુતારા પોલીસે આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે આ આંતરરાજ્ય ગેંગ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના અન્ય કેટલાય ગ્રામીણ અને શહેરી વિસ્તારોના યુવકોને પણ લગ્નની લાલચ આપી શિકાર બનાવવામાં આવ્યા હોઈ શકે છે. હાલમાં આ દિશામાં સઘન પૂછપરછ અને તપાસ ચાલુ છે.