લંડન: યુનાઇટેડ કિંગડમમાં શરણ લઇ રહેલા ભારતીય ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની હાઈકોર્ટ ઓફ જસ્ટિસે મોટો ઝટકો આપ્યો છે. પ્રત્યાર્પણ કેસને ફરીથી ખોલવાની નીરવ મોદીની અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટના આ નિર્ણયને કારણે યુનાઇટેડ કિંગડમમાં નીરવ મોદીનો છેલ્લો કાયદાકીય માર્ગ ખતમ થઇ ગયો છે, સાત વર્ષથી વધુ સમય સુધી યુકેમાં રહ્યા બાદ તેને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાઇકોર્ટ ઓફ જસ્ટિસની કિંગ્સ બેન્ચ ડિવિઝનએ આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે અરજી અને તેની આસપાસના સંજોગો અગાઉના પ્રત્યાર્પણના આદેશની સમીક્ષા કરવા માટે પુરતા નથી.
નોંધનીય છે કે ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(CBI) પંજાબ નેશનલ બેંક કૌભાંડ સાથે જોડાયલા કેસમાં નીરવના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે.
CBIના આ કેસમાં નીરવ મોદી પર આરોપ છે કે તેણે પીએનબી સાથે રૂ.6,498.2 કરોડની છેતરપિંડી કરી છે. CBI વર્ષ 2018 થી નીરવ મોદીના પ્રત્યાર્પર્ણ માટે પ્રયાસ કરી રહી છે. વર્ષ 2019 યુકેમાં નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી, યુકેની અદાલતોએ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.
જોકે કામચલાઉ કાયદ્કીય અવરોધને કારણે પ્રત્યાર્પણની પ્રક્રિયામાં વિલંબ થયો હતો, ઓગસ્ટ 2025માં આ અવરોધો દુર થયા હતાં. ત્યાર બાદ નીરવ મોદીએ પ્રત્યાર્પણ કેસ ફરી ખોલવા અરજી કરી હતી, હવે કોર્ટે આ રજી ફગાવી છે. હવે ટૂંક સમયમાં નીરવ મોદીને ભારત લાવવામાં આવી શકે છે.