Mon Jul 27 2026

Logo

લોકસભામાં બેઠકો 550થી વધીને 850 થશે? જાણો શું છે લોકસભા અને રાજ્યસભાનું ગણિત

2026-04-16 13:43:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: આજે ગુરુવારથી સંસદના ત્રણ દિવસીય વિશેષ સત્રની શરૂઆત થઇ છે, આ દરમિયાન કેન્દ્ર સરકાર બંધારણમાં 131મો સુધારા બિલ, 2026 રજૂ કરશે. આ બિલમાં લોકસભાની બેઠકો 550થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, વિપક્ષ તરફથી આ બિલનો ભારે વિરોધ કરવામાં આવી શકે, બંને ગૃહોમાં સંખ્યાને જોતા આ બિલ પસાર થવાની શક્યતા પણ ઓછી છે. 

કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે નારી શક્તિ વંદન અધિનિયમ (33% મહિલા અનામત) ના અમલીકરણ માટે આ બિલ રજુ કરવામાં આવ્યું છે. વિપક્ષ વિવાદાસ્પદ સીમાંકનને "પોલિટીકલ સ્ટંટ" ગણાવી રહ્યું છે.

બંધારણની કલમ 368 મુજબ બંધારણીય સુધારા બિલ પસાર થવા માટે "વિશેષ બહુમતી" ની જરૂર રહે છે. મતલબ કે દરેક ગૃહના કુલ સભ્યપદના બહુમતી જરૂર છે, તેમજ હાજર અને મતદાન કરનારા સભ્યોમાંથી ઓછામાં પછા બે તૃતીયાંશ સભ્યોની સહમતી જરૂરી છે.

શું છે લોકસભાની સ્થિતિ?
હાલ લોકસભામાં અસરકારક સંખ્યા 540 સભ્યો છે. જો બિલ પર મતદાન સમયે તમામ સાંસદો હાજર રહે અને મતદાન કરે, તો આ બંધારણ સુધારા બિલને પસાર થવા માટે ઓછામાં ઓછા 360 સભ્યોના સમર્થનની જરૂર છે.
શાસક પક્ષ NDA પાસે હાલમાં લગભગ 293 સાંસદો છે, જો તમામ NDA સાંસદો બિલના તરફેણમાં મતદાન કરે તો પણ બિલ પસાર થવા માટે વધુ 67 મતોની જરૂર પડશે.

વિપક્ષી પાર્ટીઓ પાસે લગભગ 234 સાંસદો છે, જેઓ સરકારને જરૂરી બે-તૃતીયાંશ બહુમતી સુધી પહોંચતા રોકી શકે છે.

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) લોકસભામાં ચાર સૌથી મોટા વિપક્ષી પક્ષો છે. 

NDAના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP)નું વલણ પણ હજુ સ્પષ્ટ નથી, TDP પાસે 16 સાંસદ છે, TDPએ નવા સીમાંકનનીને કારણે દક્ષિણના રાજ્યો પર સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકાર માટે આ બિલ પસાર કરવું મુશ્કેલ રહેશે.

રાજ્યસભાની સ્થિતિ:
જો લોકસભામાં બિલને મંજૂરી મળે તો, બિલને સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. રાજ્યસભામાં શાસક ગઠબંધન NDA લોકસભાના પ્રમાણમાં થોડી વધુ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ બિલ પસાર કરવા જરૂરી બે તૃતીયાંશ બહુમતીથી હજુ દુર છે.
રાજ્યસભામાં કુલ 244 સભ્યો છે, જો મતદાન સમયે તમામ સભ્યો હાજર રહે અને મતદાન કરે તો બિલ પસાર થવા માટે ઓછામાં ઓછા 163 મતોની જરૂર પડશે. રાજ્યસભામાં NDAનું સંખ્યાબળ લગભગ 141-142 છે.

વિપક્ષના કેટલાક સાંસદોના સમર્થનથી સરકાર બે તૃતીયાંશની બહુમતી મેળવી શકે છે.

વિપક્ષ દ્વારા ભારે વિરોધ થશે:
બુધવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં વિપક્ષના પક્ષોએ બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું, વિપક્ષ સીમાંકન વિસ્તૃત કરવાની સરકારની યોજનાને "રાજકીય રીતે પ્રેરિત" ગણાવી રહ્યું છે.

વિપક્ષે જણાવ્યું કે સરકાર 2011 ની વસ્તી ગણતરીની આધારે નવું સિમાંકન કરવાની યોજના બનાવી રહી છે, જે 2029 ની લોકસભા ચૂંટણી ને પ્રભાવિત કરી શકે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે આને "ષડયંત્ર" ગણાવ્યું છે.