ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપ ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા ( 31.12. 2025 ) ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ 4157 અરજી મળી છે. જે તમામ અરજીઓની બેન્કમાં ભલામણ કરવામાં આવી છે. જે પૈકી બેન્કો દ્વારા કુલ 2913 અરજી મંજૂર કરીને લાભાર્થીઓને લોનનો લાભ આપવામાં આવ્યો છે.
કચ્છમાં 1463 લાભાર્થીઓ લોન અપાઈ
તેવી જ રીતે, કચ્છ જિલ્લામાં પણ આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં 1919 અરજીઓ મળી છે. તે પૈકીની 1915 અરજીઓની બેન્કને ભલામણ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બેન્કો દ્વારા કુલ 1463 લાભાર્થીઓની અરજી મંજૂર કરીને લોનનો લાભ આપવામાં આવ્યો છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત અગાઉ રૂ. 8 લાખ સુધીની લોન અને તેના પર રૂ. 1.25 લાખની મર્યાદામાં સબસીડી સહાય આપવમાં આવતી હતી. આ લોનની મર્યાદા હવે વધારીને રૂ. 25 લાખ તેમજ લોન પર સબસીડી સહાયની મર્યાદા વધારીને રૂ. 3.75 લાખ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
નાના ધંધા- ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે લોન અને સબસીડી
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ નાગરિકોને નાના ધંધા- ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે લોન અને સબસીડી સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 18 થી 65 વર્ષની વયના અને લઘુત્તમ ધોરણ-4 પાસ અથવા તાલીમ/અનુભવ ધરાવતા ગુજરાતના કોઈપણ નાગરિક લઈ શકે છે, જેમાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ (blp.gujarat.gov.in ) પર ઓનલાઈન અરજી કરી રાષ્ટ્રીયકૃત કે સહકારી બેંકો દ્વારા લોન મેળવી આત્મનિર્ભર બની શકે છે.