મુંબઈ: ભારતીય સંગીત વિશ્વ માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મધુર અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. સંગીત ક્ષેત્રે દાયકાઓ સુધી પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર આશાજીના નિધનના સમાચારથી બોલીવુડ સહિત સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. સ્વર કિન્નરી લતા મંગેશકર બાદ હવે આશાજીની વિદાયથી ભારતીય સંગીત જગતમાં એક એવું શૂન્યાવકાશ સર્જાયું છે જે ક્યારેય ભરી શકાશે નહીં.

મળતી માહિતી મુજબ, 92 વર્ષીય આશા ભોસલે છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. શનિવારે તેમની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના પુત્ર આનંદ ભોસલેએ આ હૃદયદ્રાવક સમાચારની પુષ્ટિ કરી છે. હોસ્પિટલની બહાર ચાહકો તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.

આશાજીના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો પ્રવાહ શરૂ થયો છે. ફિલ્મી સિતારાઓ, રાજકારણીઓ અને સંગીત પ્રેમીઓ તેમને ભીની આંખે યાદ કરી રહ્યા છે. અનેક કલાકારોએ જણાવ્યું કે આશાજી માત્ર એક ગાયિકા નહોતા, પરંતુ તેઓ સંગીત શીખતા અનેક યુવાનો માટે એક સંસ્થા સમાન હતા. તેમના જવાથી માત્ર એક અવાજ જ નથી ગયો, પરંતુ ભારતીય સિનેમાનો એક સુવર્ણ ઇતિહાસ પણ શાંત થઈ ગયો છે.

આશા ભોસલેએ પોતાના કરિયરમાં હજારો ગીતો ગાયા છે. રોમેન્ટિક ગીતો હોય, ભજન હોય કે પછી કેબરે સોંગ, દરેક શૈલીમાં તેમણે પોતાનો જાદુ વિખેર્યો હતો. તેમની ગાયકીની વૈવિધ્યતા જ તેમને અન્ય ગાયકોથી અલગ પાડતી હતી. તેમણે પેઢીઓ સુધી સંગીત પ્રેમીઓનું મનોરંજન કર્યું છે અને તેમના ગીતો હંમેશા અમર રહેશે. આશાજીને તેમના જીવનકાળ દરમિયાન અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.