નવી દિલ્હીઃ તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. કેરળમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કેરળમાં ડાબેરીઓની હારના સંકેત મળી રહ્યા છે. વલણમાં યુડીએફ એ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આઝાદી બાદ દેશના એક પણ રાજ્યમાં ડાબેરી સરકાર બચી નથી.
અત્યાર સુધી દેશમાં કેરળ જ એકમાત્ર એવું રાજ્ય હતું, જ્યાં ડાબેરીઓનું શાસન હતું. પરંતુ હવે ત્યાંથી પણ સરકાર વિદાય થઈ રહી હોય તેમ લાગે છે. આ પહેલા ત્રિપુરા અને બંગાળમાંથી ડાબેરીઓ સાફ થઈ ચુક્યા છે. કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ અગાઉ ડાબેરી સરકાર રહી ચૂકી છે, પરંતુ આ બંને સ્થળોએ પણ ડાબેરીઓનો સફાયો થઈ ગયો છે.
વર્ષ 2011માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર એકવાર સત્તામાંથી બહાર થઈ, ત્યારબાદ ફરી ક્યારેય વાપસી કરી શકી નથી. તેવી જ રીતે ત્રિપુરામાં પણ વર્ષ 2018માં જનતાએ ડાબેરી સરકારને સત્તાની બહારનો રસ્તો બતાવી દીધો હતો. હવે કેરળમાં પણ ડાબેરી સરકાર પડતી હોય તેવું જણાય છે. કેરળમાં યુડીએફ (UDF) ની જીત સાથે જ આખા દેશમાંથી ડાબેરીઓનો સફાયો થઈ જશે. તેનો અર્થ એ છે કે દેશના કોઈપણ રાજ્યમાં ડાબેરીઓની સરકાર બચશે નહીં.
કેરળના શરૂઆતી વલણોની વાત કરીએ તો, અહીં UDF 90થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) 40થી થોડી વધુ બેઠકો પર આગળ છે. આ સિવાય અહીં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) કુલ 140 બેઠકોમાંથી પાંચ બેઠકો પર આગળ છે. બીજી તરફ, કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજ્ય એકમના વડા સની જોસેફે જણાવ્યું હતું કે, આ પક્ષની તરફેણમાં વલણનો સંકેત આપે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે UDF 100 બેઠકોનો આંકડો પાર કરી લેશે.
કેરળમાં ચાલી રહેલી મતગણતરી વચ્ચે અહીં ઓછામાં ઓછા 12 પ્રધાનો તેમના મત વિસ્તારમાં પાછળ ચાલી રહ્યા છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પોતાની હાલની બેઠક ધર્મદમ પર પાછળ છે, જેને તેમનો ગઢ માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, પ્રધાન વીણા જ્યોર્જ, એમ બી રાજેશ, ઓ આર કેલુ, આર બિંદુ, જે ચિંચૂરાની, પી રાજીવ, કે બી ગણેશ કુમાર, વી એન વાસવન, વી શિવનકુટ્ટી, વી અબ્દુરહમાન, એ કે શશીધરન અને રોશી ઓગસ્ટીન પોતપોતાના મતવિસ્તારમાં પાછળ ચાલી રહ્યા છે.