Tue Aug 18 2026

Logo

કચ્છમાં મેઘવિરામ વચ્ચે બફારામાં વધારો: મુન્દ્રામાં ઝાપટું, કંડલા-ગાંધીધામમાં તાપમાન ૩૮ ડિગ્રી

2026-08-10 11:57:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લેતાં અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ઊંચકાતાં અસહ્ય ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી એક સપ્તાહ સુધી જિલ્લામાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મોટી સિસ્ટમ સર્જાવાની શક્યતા નહિવત્ છે. જોકે, છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાંની શક્યતા યથાવત્ રાખવામાં આવી છે. વહેલી સવારે બંદરીય મુંદરા શહેરમાં વરસાદી ઝાપટું પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને થોડીવાર માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જિલ્લાના અન્ય મથકો કંડલા અને અંજાર-ગાંધીધામમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી, ભુજમાં ૩૪.૭ ડિગ્રી અને કંડલા પોર્ટ પર ૩૪ ડિગ્રી નોંધાયું હતું. તમામ વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૨૫થી ૨૭ ડિગ્રી વચ્ચે રહેતાં લોકોએ આખો દિવસ ભારે બફારો અનુભવ્યો હતો.

આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદાર, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, મહીસાગર, અરવલ્લીના ઘણી સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદમાં કેટલાક સ્થળોએ હવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, આજે સવારે 6 થી 10 ના સમયગાળામાં 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરના કવાંટમાં સૌથી વધુ 0.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાંસદામાં 0.20 ઇંચ, સુબીરમાં 0.16 ઇંચ, ખેડબ્રહ્મામાં 0.12 ઇંચ, ખેરગામમાં 0.12 ઇંચ વરસાદ પડ્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)