Fri Jun 19 2026

Logo

નખત્રાણાના નિરોણામાં મેગા દબાણ હટાવ ઝુંબેશ, 758 એકર સરકારી જમીન થઈ દબાણમુક્ત

2026-06-09 12:08:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ પાવરપટ્ટીના નિરોણા ગામની દક્ષિણે આવેલી ડુંગરાળ માળખાની સરકારી જમીન પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર વનવિભાગે બુલડોઝર ફેરવી દીધું છે. વનવિભાગ અને પશ્ચિમ કચ્છ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે જ ૧૮૦ હેક્ટર (આશરે ૭૫૮ એકર) જેટલી કિંમતી જંગલ અને અનામત જમીનને દબાણમુક્ત કરાવી વનવિભાગે પોતાનો કબ્જો મેળવ્યો છે. તંત્રની આ આકરી ઝુંબેશને પગલે દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નિરોણા ગામના સર્વે નંબર ૫૫૪ પૈકીની આ જમીન વર્ષ ૧૯૬૩માં ગ્રામ પંચાયત હસ્તક નીમ કરાઈ હતી, જે બાદમાં ૧૯૭૯ના સરકારી ગેઝેટ મુજબ વનવિભાગને ફાળવવામાં આવી હતી. જો કે, ચોક્કસ હદ નક્કી ન હોવાનો લાભ ઉઠાવી કેટલાક તત્વોએ વર્ષોથી આ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી ખેતી શરૂ કરી દીધી હતી. તાજેતરમાં નખત્રાણા પૂર્વ રેન્જના આર.એફ.ઓ. એ.બી. સરવૈયાએ દબાણકારોને નોટિસો પાઠવી ગ્રામસભા યોજી હતી અને માલિકી હકના પુરાવા માંગ્યા હતા. પરંતુ, કોઈ સંતોષકારક આધાર-પુરાવા ન મળતાં આખરે વનવિભાગે જમીન પરથી કબ્જો હટાવવાની યોજના ઘડી કાઢી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા, મુખ્ય વનસંરક્ષક ધીરજ મિત્તલ અને નાયબ વનસંરક્ષક એચ.જે. ઠક્કરની દેખરેખ હેઠળ વહેલી સવારથી જ દબાણ હટાઓ ઝુંબેશ શરૂ કરી હતી.  આ ઝુંબેશમાં નખત્રાણાના ડીવાય.એસ.પી. ભગોરાની આગેવાનીમાં એલસીબી, ભુજ, મુંદરા મરીન અને નિરોણા પોલીસના ૮૦ જેટલા જવાનો તેમજ સમગ્ર જિલ્લાના ૧૦૦થી વધુ મહિલા-પુરુષ વનકર્મીઓ તૈનાત કરાયા હતા. કોઈ ઘર્ષણ ન થાય તે માટે કાચા રસ્તાઓ બંધ કરી, ૧૮ જેટલા જેસીબી, લોડર અને ટ્રેક્ટરોની મદદથી દબાણો હટાવી જમીનની ફરતે ઊંડી ખાઈ ખોદવાની કામગીરી શરૂ કરાઈ હતી.  સહાયક વનસંરક્ષક હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર વન્યજીવો અને પર્યાવરણ માટે સંવેદનશીલ હોવાથી ચોમાસા બાદ અહીં મોટા પાયે વૃક્ષારોપણ કરીને વિસ્તારને હરિયાળો બનાવવામાં આવશે.

બીજી તરફ, વનવિભાગની આ કાર્યવાહીને પગલે નિરોણાના ગ્રામજનો અને પંચાયતમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ગામના સરપંચ નરોત્તમ આહીરે આક્ષેપ કર્યો હતો કે, આ જમીન આજે પણ રેવન્યુ રેકોર્ડના ૭/૧૨માં ગ્રામ પંચાયતના નામે બોલે છે. અગાઉની બેઠકમાં રેવન્યુ વિભાગની સ્પષ્ટતા અને ગ્રામજનોને સાથે રાખી સંયુક્ત માપણી ન થાય ત્યાં સુધી કાર્યવાહી ન કરવા સહમતી સધાઈ હતી. તેમ છતાં પોલીસે પંચાયતને વિશ્વાસમાં લીધા વિના, ભારે કાફલા સાથે દાદાગીરી પૂર્વક દબાણ હટાવી ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. પંચાયત આ મુદ્દે આગામી દિવસોમાં ખાસ ગ્રામસભા બોલાવી આગળની કાનૂની લડત અંગે નિર્ણય લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

દરમ્યાન, નખત્રાણા પંથકમાં વનવિભાગે માત્ર નિરોણા જ નહીં, પરંતુ અન્ય બે સ્થળોએ પણ સપાટો બોલાવ્યો છે. તંત્ર દ્વારા નખત્રાણા તાલુકાના સાંયરા વિસ્તારમાંથી ૨૦ હેક્ટર જમીન પર કરાયેલું ખેતીવિષયક ગેરકાયદે દબાણ તોડી પડાયું હતું. આ ઉપરાંત, શિણાપર અનામત જંગલ વિસ્તારમાં પણ વનવિભાગની ટીમે ત્રાટકીને વધુ ૧૦૦ હેક્ટર વિસ્તારમાંથી ગેરકાયદે અતિક્રમણ દૂર કરવાની સફળ કામગીરી હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)