ભુજ: વૈશાખ મહિનાના પ્રખર સૂર્યતાપની જુગલબંધીએ જાણે રણપ્રદેશ કચ્છને અગનભઠ્ઠામાં ફેરવી દીધું છે અને પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તરફથી વાતા દક્ષિણ-પશ્ચિમી પવનોએ કચ્છથી શરૂ કરીને છેક રાજધાની દિલ્હી સુધી આગ ઝરતી લૂ પ્રસરાવી રહ્યા છે અને આજે સૂકા રણપ્રદેશ કચ્છના સંખ્યાબંધ મથકોએ મહત્તમ તાપમાનનો આંક ૪૦ ડિગ્રી સે.થી ૪૨ ડિગ્રી સે.રહેવા પામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અપાયેલી ગરમીની એલર્ટ વચ્ચે વાગડથી લઈ કોટેશ્વર સુધી ઉના વાયરા ફુંકાતા જનજીવન તોબા પોકારી ઊઠયું હતું. કંડલા(એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામ વિસ્તાર ગરમીમાં શેકાયા હતા.
જિલ્લા મથક ભુજમાં તાપમાન ૪૨ ડિગ્રી સે. નોંધાતાં સવારના સુર્ય નારાયણનાં દર્શન સાથે જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું. ભુજના તાપમાન અને અલ્જીરિયા, ઇરાક અને સાઉદી અરેબિયાના શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાન વચ્ચે માત્ર પોઇન્ટ બે ડિગ્રી સે.નો તફાવત રહેવા પામ્યો હતો.
બીજી તરફ શીતમથક નલિયામાં ૩૯ ડિગ્રી મહત્તમ, ૨૯ ડિગ્રી લઘુતમ તાપમાને બળબળતા તાપની આણ બરકરાર રહી હતી. સગડી બનેલી રણકાંધીના રાપરમાં ૪૧ જયારે ખાવડામાં ૪૦ ડિગ્રી તાપમાને ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પવનોની દિશા બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને કારણે પલટાઈ છે જેને કારણે આ જીવલેણ ગરમીએ જનજીવનને બાનમાં લીધું છે અને આગામી સોમ-મંગળવાર સુધી આ જાનલેવા ગરમીનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
(ઉત્સવ વૈદ્ય)