Sat Aug 29 2026

Logo

કચ્છમાં કાળઝાળ ગરમી: હવામાન વિભાગ દ્વારા સાત દિવસનું અપાયું યલો એલર્ટ

2026-05-09 12:16:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં કાળઝાળ ગરમી: હવામાન વિભાગ દ્વારા સાત દિવસનું અપાયું યલો એલર્ટ

અંજાર-ગાંધીધામ ૪૩ ડિગ્રી સાથે શેકાયા; પારો ૪૪ ડિગ્રીને પાર જવાની સંભાવના  

ભુજઃ   કચ્છમાં આ વર્ષનો ઉનાળો હવે જાણે આકરી કસોટી કરી રહ્યો છે. હવામાન વિભાગે આગામી આખું સપ્તાહ પ્રખર તાપ અને લૂની સ્થિતિ યથાવત રહેવાની આગાહી સાથે સાત દિવસ માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે. મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થવાની સંભાવનાને પગલે કચ્છી માડુઓએ અસહ્ય અકળામણ વેઠવી પડશે.

વૈશાખ મહિનાના આકરા તડકાની અસર અત્યારથી જ વર્તાવા લાગી છે. કંડલા (એરપોર્ટ) વિસ્તાર એટલે કે અંજાર અને ગાંધીધામ સંકુલમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સુરેન્દ્રનગર અને અમદાવાદ બાદ કંડલા (એ.) રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.

જિલ્લા મથક ભુજમાં પણ ગરમીનો પારો ૪૧.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો, જેના કારણે બપોરના સમયે માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ, દરિયાકાંઠાના કંડલા પોર્ટ વિસ્તારમાં પણ તાપમાન ૪૦.૫ ડિગ્રી નોંધાયું હતું. દિવસે પ્રખર તાપ અને રાત્રે ભેજવાળા હવામાનને કારણે થતા ઉકળાટે લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા.

અગાઉ ૨૬મી એપ્રિલે કચ્છમાં પારો ૪૫ ડિગ્રીને પાર કરી ગયો હતો. હવામાન નિષ્ણાતોના મતે, આ સપ્તાહ દરમિયાન ગરમીનો પારો ફરી એકવાર ૪૪ ડિગ્રીની સપાટી વટાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)