Sat Sep 05 2026

Logo

અમદાવાદવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા રહો તૈયાર, 46 ડિગ્રી સુધી પહોંચશે પારો

2026-05-09 09:47:00
Author: Mayur Patel
અમદાવાદવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા રહો તૈયાર, 46 ડિગ્રી સુધી પહોંચશે પારો

અમદાવાદઃ ગુજરાત ભીષણ હીટવેવ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજસ્થાન થઈને સિંધ અને બલૂચિસ્તાનના રણ પ્રદેશોમાંથી આવતા ગરમ અને સૂકા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે. IMD એ  આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં હજુ 2  થી 4 ડિગ્રી સેલ્સિયનો વધારો થવાની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

શનિવારે સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા અને કચ્છમાં હીટવેવની શક્યતા છે. રવિવારથી ઉત્તર ગુજરાત અને અમદાવાદ-ગાંધીનગર, આણંદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 13 મે સુધી અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદના આ વિસ્તારોમાં ગરમી ગાભા કાઢશે

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં પ્રચંડ ગરમીનો કોપ વર્તાઇ રહ્યો છે, તેના પગલે નાગરિકોને ગરમીનાં કારણે બિેમાર પડતાં રોકવા માટે કયા કયા વિસ્તારોમાં વધુ ગરમી પડશે તેની આગાહી કરવા માટે એક સંસ્થા સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ આ સંસ્થા સેટેલાઇટની મદદથી લેન્ડ સરફેસ ટેમ્પ્રેચર ડેટાનાં આધારે આગાહી કરે છે, ત્યારબાદ એડવાન્સ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ તથા મશીન લર્નિંગ આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને 30 બાય 30 મીટરનાં વિસ્તારનાં પિક્સેલ સ્તરે પ્રાપ્ત થતાં એર ટેમ્પ્રેચર ડેટાનુ વિશ્લેષણ કરીને જે વિસ્તારમાં ઉચ્ચ તાપમાન નોંધાવાની શક્યતા છે તેને હોટસ્પોટ તરીકે નિર્ધારિત કરવામાં આવે છે.

આ સંસ્થાની મદદથી મળેલા ડેટા મુજબ આગામી સાત દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનનાં 45 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં જ નહિ પણ સમગ્ર શહેરમાં 43 ડિગ્રીથી 46 ડિગ્રી સેલ્શિયસ જેટલુ ઉંચુ તાપમાન સાત દિવસ સુધી રહેવાની શક્યતા છે. તેમાંય 13મી અને 14મી તારીખે  હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીનાં પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરના  થલતેજ, ગોતા, બોડકદેવ,  સરખેજ, મક્તમપુરા, ચાંદખેડા, સરદારનગર, નરોડા, રામોલ-હાથીજણ, ઈન્ડિયાકોલોની, અમરાઇવાડી, ઓઢવ, વસ્ત્રાલ, લાંભા, વટવા, ઇસનપુર, બહેરામપુરા વિસ્તારમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થશે.

રાજ્યમાં ગઈકાલે ક્યાં કેટલું નોંધાયું તાપમાન

ગઈકાલે અમદાવાદમાં 43.1 ડિગ્રી, અમરેલીમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, ભાવનગરમાં 40.0 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી, દમણમાં 34.4 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, દીવમાં 35 ડિગ્રી, દ્વારકામાં 33 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી, કંડલામાં 40.5 ડિગ્રી, નલિયામાં 35.6 ડિગ્રી, ઓખામાં 33.6 ડિગ્રી,પોરબંદરમાં 34.8 ડિગ્રી, રાજકોટમાં 42.8 ડિગ્રી, સુરતમાં 37.6 ડિગ્રી, વેરાવળમાં 33.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલામાં સામાન્યથી 4.1 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સામાન્યથી 1.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.