Sun Sep 13 2026

Logo

કરોડોના દારૂ પ્રકરણમાં મોટી કાર્યવાહી: ભચાઉના તત્કાલીન PI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ફફડાટ

2026-05-09 12:54:00
Author: Mumbai Samachar Team
કરોડોના દારૂ પ્રકરણમાં મોટી કાર્યવાહી: ભચાઉના તત્કાલીન PI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ફફડાટ

 ભુજ:  કચ્છ જિલ્લામાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડોની કિંમતનો દારૂ ઝડપાવાના ચકચારી મામલે આખરે સ્થાનિક જવાબદાર અધિકારી સામે ગાજ પડી છે. ભચાઉના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ. જાડેજાને સસ્પેન્ડ કરી અચાનક નર્મદા ખાતે બદલી કરી દેવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

થોડા મહિના અગાઉ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ભચાઉ પટ્ટામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂા. ૨.૦૬ કરોડનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ કે બેદરકારીને કારણે આટલો મોટો જથ્થો ઘૂસ્યો હોવાનું માની ઉચ્ચ કક્ષાએથી ખાતાકીય તપાસના આદેશો અપાયા હતા.

કરોડોના દારૂ પ્રકરણમાં ખાતાકીય તપાસ બાદ જવાબદારી નક્કી કરવામાં આવતા પી.આઈ. એ.એ. જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેન્જ આઈ.જી.એ પણ આ સસ્પેન્શન અને બદલીના આદેશને સમર્થન આપ્યું છે. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે પૂર્વ અને પશ્ચિમ કચ્છના અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ભચાઉ પટ્ટામાં એસ.એમ.સી.ના ઉપરાઉપરી દરોડાને પગલે પોલીસની બુટલેગરો વિરુદ્ધની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. આ પ્રકરણમાં તત્કાલીન પી.આઈ.ની સીધી સંડોવણી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ તેમની નૈતિક જવાબદારી ગણીને આ શિસ્તભંગના પગલાં લેવાયા હોવાનું મનાય છે. હાલમાં આ મામલે પોલીસ બેડામાં ભારે ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)