Thu Sep 03 2026

Logo

કચ્છમાં ગરમીનો પ્રકોપ: પવનોની દિશા બદલાતા ભુજ ભઠ્ઠીની જેમ શેકાયું

2026-04-18 11:12:00
Author: Mayur Patel
કચ્છમાં ગરમીનો પ્રકોપ: પવનોની દિશા બદલાતા ભુજ ભઠ્ઠીની જેમ શેકાયું

AI Image


ભુજઃ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલી ભીષણ ગરમીથી જનજીવન તોબા પુકારી ઉઠ્યું છે ત્યારે ગુજરાતમાં મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલી ગરમીની યલો એલર્ટ વચ્ચે રણપ્રદેશ કચ્છના સંખ્યાબંધ મથકોએ સતત ચોથા દિવસે મહત્તમ તાપમાનનો આંક ૩૮ ડિગ્રી સે.થી ૪૦ ડિગ્રી સે.રહેવા પામ્યો હતો. છેવાડાના વાગડથી લઈ કોટેશ્વર સુધી ચામડી બાળી નાખતા ઉના વાયરા ફુંકાતા જનજીવન મૂર્છિત થઇ ગયું છે.

કંડલા(એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામના તમામ મથકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યાં છે. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન ઊંચકાઈને ૪૦.૪ ડિગ્રીએ પહોંચતા સવારના સુર્ય નારાયણનાં દર્શન સાથે જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું. બપોરની પાળીમાં પરીક્ષા આપવા જતાં બાળકોની તબિયત પર હિટવેવની અસર પડતી હોઈ, વાલીઓ શાળાનો સમય સવારનો કરવાની માંગ કરી રહ્યા છે.  

લઘુતમ તાપમાનનો પારો ૨૮ ડિગ્રી જેટલો ઊંચો રહેવાની સાથે મોડી સાંજે પણ ઉકળાટનો દોર યથાવત રહ્યો હતો. રણકાંધીના રાપરમાં ૩૭ જયારે ખાવડામાં ૩૮ ડિગ્રી તાપમાન સાથે અત્યારે પડી રહેલી ભીષણ ગરમીનું સામ્રાજ્ય સર્વત્ર છવાયેલું જોવા મળ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, ઉનાળો બેસી જતા પવનોની દિશા પલટાઈ છે જેને કારણે આકરી ગરમીએ જનજીવનને બાનમાં લેવાનું શરૂ કર્યું છે અને આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમીનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી લોકોને સ્વાસ્થ્યની કાળજી લેવાનો અનુરોધ કર્યો છે. 

(ઉત્સવ વૈદ્ય)