Thu Jun 18 2026

Logo

રાજકોટના કથિત લવ જેહાદ કેસમાં આરોપી મહિલાએ કહ્યું, "હું પોતે હિન્દુની પત્ની છું..."

2026-06-18 20:58:40
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ:
શહેરમાં ભારે ચર્ચા જગાવનારા કથિત લવ જેહાદના મામલામાં નવો વળાંક અને હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. ગઈકાલે એક પીડિત હિન્દુ પરિણીતા દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ આ કેસમાં આરોપી તરીકે દર્શાવવામાં આવેલી મોરબીની અનિશા કાશમી નામની યુવતી મીડિયા સમક્ષ હાજર થઈ ગઈ હતી અને તેણે પોતાની સામેના તમામ આરોપોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવીને તેને ફસાવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો દાવો કર્યો હતો. 

જોકે, મીડિયા સમક્ષ નિવેદન આપ્યાના તુરંત બાદ જ રાજકોટ મહિલા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને પીડિત યુવતીની ફરિયાદના આધારે અનિશાની પૂછપરછ માટે અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

તાજેતરમાં જ રાજકોટના કથિત લવ જેહાદના બનાવે ભારે ચર્ચા જગાવી હતી, ત્યારે આ બનાવમાં પીડિત હિન્દુ યુવતી દ્વારા મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર બનાવમાં આરોપીના સાગરીત તરીકે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અનિશા કાશમી નામની મુસ્લિમ યુવતી મીડિયા સમક્ષ હાજર થઈ ગઈ હતી અને તેના પર લાગેલા આક્ષેપોને તેણે ફગાવી દીધા હતા. 

તેણે આક્ષેપ કર્યો હતો કે યુવતી અફઝલને પહેલેથી જ ઓળખતી હતી, તેમ છતાં તેને ફસવવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું હોવાનું મહિલાએ જણાવ્યું હતું. તેણે આગળ જણાવ્યું હતું કે મારી 15 વર્ષની દીકરીને ફોન કરીને ધમકી આપવામાં આવી રહી છે અને તેના તમામ પુરાવા સાથે જૂનાગઢ અને મોરબીમાં પોલીસને અરજી કરી છે. 

તેમણે લવ જેહાદના મુદ્દા પર જણાવ્યું હતું કે હું પોતે જ હિન્દુ યુવકની પત્ની છું, તેણે એવું પણ જણાવ્યું હતું કે આરોપ કરનાર યુવતીની માતા અને ભાભી બંને મુસ્લિમ છે તેમ છતાં લવ જેહાદના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે ખોટું છે. તેણે યુવતી, જિદ્દી ઉર્ફે અફઝલ તેમ જ અન્ય લોકો પર તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

સમગ્ર બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર હિન્દુ પરિણીતા એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 'જિદ્દી બોય' પ્રોફાઈલ આઈડી ધરાવતા યુવકના સંપર્કમાં આવી હતી, જેણે પોતાની સાચી ઓળખ છુપાવી હતી. આશરે બે મહિના પછી પરિણીતાને જાણ થઈ હતી કે આ યુવક હિન્દુ નહીં, પરંતુ મુસ્લિમ છે અને તેનું સાચું નામ અફઝલ કારાભાઈ સીડા (રહે. જૂનાગઢ) છે. 

પરિણીતાનો આક્ષેપ છે કે મોરબીની અનિશાએ અફઝલની સાગરીત તરીકે બંને વચ્ચે સંપર્ક કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છેલ્લા છ મહિનાથી અફઝલ અને અનિશા દ્વારા તેના પર ધર્મ પરિવર્તન કરવા, ચાલુ લગ્નજીવન તોડી નાખવા અને અફઝલ સાથે ભાગી જવા માટે સતત માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું.

પીડિત પરિણીતાએ આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જૂનાગઢના અફઝલ સીડા અને મોરબીની અનિશા ઉપરાંત અમદાવાદના રવિ અને જૂનાગઢના વિજય નામના શખસના નામ પણ આપ્યા હતા. 
પરિણીતાના જણાવ્યા અનુસાર, જો તે કોઈને આ વાત કહેશે તો તેનું લગ્નજીવન બગાડી નાખવાની ધમકી આપીને અફઝલ અને અનિશા સોશિયલ મીડિયા પર લાઈવ થઈ તેને અવારનવાર બદનામ કરીને હેરાન કરતા હતા. 

આખરે કંટાળીને પરિણીતાએ તેના પતિને વાકેફ કરી પોલીસમાં અરજી કરી હતી, જે અરજી પાછી ખેંચવા માટે રવિ અને વિજય તેને ધમકીઓ આપતા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.